– રૂ.1,600 કરોડના બેંક લોન કૌભાડમાં ધરપકડ થઇ હતી
– 9 બેંકોના રૂ.1,600 કરોડની લોન ભરપાઇ કર્યા વગર લંડન ભાગી જતા ઇન્ટપોલ નોટિસ જારી કરી હતી
વડોદરા : વડોદરા નજીક હાલોલ હાઇવે પર આસોજ ગામ પાસે આવેલી કેમરોડ ઇન્ડસ્ટ્રિઝના પૂર્વ એમ.ડી. કલ્પેશ પટેલની રૂ.57.23 કરોડની સંપત્તિ ઇ.ડી.એ ટાંચમાં લીધી છે.ઇ.ડી.એ આ અંગેની જાણકારી આજે સાંજે ટ્વિટ કરીને આપી હતી.ઇ.ડી.એ આજે સાંજે 6 વાગ્યે ટ્વિટ કર્યુ હતુ કે કેમરોક ઇન્ડસ્ટ્રિઝ એન્ડ એક્સ્પોર્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ એમ. પટેલ તથા અન્ય સામે મની લોન્ડરિંગ એક્ટ 2002 અંતર્ગત કાર્યવાહીના ભાગરૂપે રૂ.57.23 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કલ્પેશ પટેલ સામે રૂ.140 કરોડના બેંક લોક કૌભાંડની આઇ.સી.આઇ.સી.આઇ.બેંકે વર્ષ 2014માં ફરિયાદ નોંધાયા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઇ હતી જે બાદ કલ્પેશ પટેલે 9 બેંકોમા મળીને રૂ.1,600 કરોડનું લોન કૌભાંડ કરીને નાણા વિદેશમાં સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યુ હતુ.
આ વખતે કલ્પેશ પટેલ અને તેની પત્ની બિનિતા પટેલ ભારત છોડીને ફરાર થઇ ગયા હતા જે બાદ તેઓ લંડનમાં હોવાનું જાણવા મળ્યુ હતુ. વર્ષ 2016માં કલ્પેશ પટેલ અને બિનિતા પટેલ સામે ઇન્ટરપોલ નોટિસ પણ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.દરમિયાન વર્ષ 2019માં કલ્પેશ પટેલના માતાનું અવસાન થતા કલ્પેશ વડોદરા પરત ફર્યો હતો ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. કલ્પેશ પટેલે કેમરોક ઇન્ડસ્ટ્રિઝની સ્થાપના કરી હતી તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ઉદ્ઘાટન કર્યુ હતુ.
જો કે લોન કૌભાંડ બાદ કલ્પેશ પટેલના સ્વિઝ બેન્કમાં ખાતા હોવાની અને બેંકમાંથી મેળવેલા પૈસા ત્યાં ટ્રાન્સફર કર્યા હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા.આખરે બેન્કોએ નાણા વસુલ કરવા માટે કેમરોક ઇન્ડસ્ટ્રિઝની જે તે સ્થિતિમાં હરાજી કરી હતી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે ખરીદી કરી હતી.