અમદાવાદમાં ગયા વર્ષે મહિલા અત્યાચાર અંગેના 1,373 કેસ નોંધાયા

488

– સલામતીની વાતો વચ્ચે અમદાવાદમાં 90 મહિલા બળાત્કારનો ભોગ બની !
– વર્ષ 2021 માં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 5,904 કેસ નોંધાયા,જેમાં બળાત્કારના 566 કેસ છે

અમદાવાદ,તા.13 ફેબ્રુઆરી 2022,રવિવાર : ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની સ્થિતિએ વર્ષ ૨૦૨૧માં મહિલાઓ વિરૂદ્ધના સૌથી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે.વર્ષ ૨૦૨૧ દરમિયાન રાજ્યમાં કુલ ૫,૯૦૪ કેસ મહિલા અત્યાચાર અંગેના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાવા પામ્યા હતા.જેમાં બળાત્કારના ૫૬૬ કેસ નોંધાયા છે.અપહરણના ૯૭,સાસરિયાના ત્રાસ અંગેના ૨,૨૦૩ કેસ,છેડતીના ૯૩૮ ,જાતિય સતામણીના ૧૧,દહેજ ત્રાસ અંગેના ૧,૯૪૫ કેસ નોંધાયા છે.દહેજના કારણે મોત થયા હોય તેવા કુલ ૬૬ કેસ સામે આવ્યા છે જેમાં મહિલાઓએ તેમનો જીવ ગુમાવવો પડયો હોય.અમદાવાદમાં સૌથી વધુ કેસ મહિલા અત્યાચાર અંગેના કુલ ૧.૩૭૩ કેસ નોંધાયા છે.જેમાંથી બળાત્કારના ૯૦ કેસ નોંધાયા છે.

મહિલા સશક્તિકરણ,મહિલા ઉત્થાન,મહિલા સુરક્ષાની વાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ પરના અત્યાર અંગેના કેસ નોંધપાત્ર રીતે વધ્યા છે.રાજ્યમાં વર્ષ ૨૦૧૫માં કુલ ૬,૨૪૬ કેસ નોંધાયા હતા ત્યાર બાદ વર્ષ ૨૦૨૧માં વર્ષ દરમિયાન કુલ ૫,૯૦૪ કેસ નોંધાયા છે.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એકબાજુ મહિલાઓ સલામત હોવાના દાવાઓ કરાઇ રહ્યા છે પરંતુ અમદાવાદમાં જ સૌથી વધુ મહિલા અત્યાર અંગેના કેસો સામે આવ્યા છે.જેમાં ગત વર્ષ દરમિયાન દહેજના કારણે ૮ મહિલાઓના મોત થયા હતા.૧૦ મહિલાઓના અપહરણ અંગેના કેસ નોંધાયા હતા.સાસરિયાઓના ત્રાસ અંગેના ૪૮૩ કેસ પોલીસ સ્ટેશનો ગત વર્ષ દરમિયાન નોંધાયા હતા.

એકબાજુ મહિલા સલામતી માટે અમદાવાદ સલામત મનાઇ રહ્યું છે તે દાવાને ખોટો ઠરાવે તેમ મહિલાઓની છેડતી અંગેના ૨૦૦ કેસ પોલીસમાં નોંધાવા પામ્યા છે.મહિલાઓની અનૈતિક હેરાફેરીના ૫ કેસ તેમજ દહેજની માંગણી અંગેના ૫૭૭ કેસ સ્માર્ટસિટી અમદાવાદમાં નોંધાવા પામ્યા છે.

ઉપરોક્ત કેસ તો પોલીસ ચોપડે નોંધાયા હોય તે છે.બાકી પોલીસ સ્ટેશન સુધીપહોંચ્યા જ ન હોય તેવા કેસની સંખ્યા અનેકગણી મનાઇ રહી છે.દિલ્હીના નિર્ભયા કેસ બાદ દેશમાં મહિલા સલાતમી માટે પગલા લેવામાં આવશે,મહિલાઓને વધુ સુરક્ષા મળશે તેવી ધારણાઓ વચ્ચે નવાઇની વાત એ છેકે રાજ્ય અને અમદાવાદમાં દર વર્ષે બળાત્કારના કેસ વધતા જઇ રહ્યા છે.અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે હજુ વધું પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે.

ગુજરાતમાં વર્ષ 2021માં મહિલા વિરૂદ્ધના કેસની સંખ્યા

બળાત્કાર

566

અપહરણ

97

દહેજ મોત

66

સાસરિયાનો ત્રાસ

2,203

છેડતી

938

જાતિય સતામણી

11

અનૈતિક હેરાફેરી

66

મહિલા સામે અભદ્ર માંગણી

12

દહેજ ત્રાસ

1,945

કુલ

5,904

રાજ્યમાં કયા વર્ષમાં કેટલા કેસ નોંધાયા

વર્ષ

કેસ

૨૦૧૫

૬,૨૪૬

૨૦૧૬

૫,૮૭૯

૨૦૧૭

૫,૨૯૫

૨૦૧૮

૫,૦૫૭

૨૦૧૯

૫,૫૦૪

૨૦૨૦

૫,૧૩૯

૨૦૨૧

૫,૯૦૪

અમદાવાદમાં મહિલા વિરૂદ્ધના કેસની સંખ્યા

કેસ

વર્ષ૨૦૨૦

વર્ષ ૨૦૨૧

બળાત્કાર

૮૪

૯૦

અપહરણ

૧૦

દહેજ મોત

પતિ-સંબંધીનો ત્રાસ

૪૨૪

૪૮૩

છેડતી

૨૦૫

૨૦૦

જાતિય સતામણી

અનૈતિક હેરાફેરી

દહેજ

૪૫૪

૫૭૭

Share Now