અડાજણના હેર માસ્ટર ફેમિલી નામના સ્પામાં દરોડા, જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

185

– સ્પામાં મસાજનું કામ કરતી ત્રણ યુવતીની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી

સુરત,બુધવાર : અડાજણ સ્ટારબજાર નજીક યોગેશ્વર કોમ્પ્લેક્ષમાં હેર માસ્ટર ફેમિલીના નામે ધમધમતા સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવનાર મેનેજરની ધરપકડ કરી માલિકને અડાજણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.

કામરેજના પાસોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા બાદ કપલ બોક્સ અને સ્પાના નામે ચાલતા કૂટણખાના બંધ કરાવવા ઉઠેલી માંગને પગલે સુરત સિટી પોલીસ દોડતી થઇ છે. જે અંતર્ગત અડાજણ પોલીસે અડાજણ સ્ટાર બજાર નજીક યોગેશ્વર કોમ્પ્લેક્ષમાં દુકાન નં. 10 અને 11 માં હેર માસ્ટર ફેમિલી નામના સ્પામાં દરોડા પાડયા હતા.જયાંથી મેનેજર ઇન્દ્રજીત મધુસુદન બર્મન (ઉ.વ. 23 રહે. 101, ગીતા એપાર્ટમેન્ટ, પાલનપુર જકાતનાકા) સ્પામાં મસાજનું કામ કરતી ત્રણ યુવતીઓ મળી આવી હતી. પોલીસે ઇન્દ્રજીતની પૂછપરછ કરતા ત્રણેય મહિલાઓના નામ, સરનામા અને ફોટો સહિતની ડિટેઇલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી.જેને પગલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી મેનેજર ઇન્દ્રજીતની ધરપકડ કરી હતી જયારે માલિક અમિત ઉર્ફે વિક્કી બંગાળી વિશ્વનાથ શાહુને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share Now