– ચલણનો ઉપયોગ બિનજરૂરી ફાયદા માટે ન થાય તેના કરારોનું પાલન ન કરવામાં ચીન નિષ્ફળ
વોશિંગ્ટન : બાઇડેનનું વહીવટીતંત્ર કોઈપણ દેશને કરન્સી મેનિપ્યુલેટર એટલે કે ચલણ સાથે ગેરરીતિ આચરનારનું લેબલ લગાડતું નથી.પણ જ્યારે ચીન,વિયેતનામ અને તાઇવાનની વાત આવે ત્યારે તે તેના પર ચાંપતી નજર રાખે છે.
તેની પાછળનું કારણ એ છે કે આ દેશો તેમના ચલણનો ઉપયોગ બિનજરૃરી વ્યાપારિક ફાયદા માટે ન થાય તે માટેના વૈશ્વિક કરારોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.યુએસ કોંગ્રેસે શુક્રવારે જારી કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે ચીન કેટલીય વખત તેમના ટ્રેડિંગ પાર્ટનરોને આ રીતે ફાયદો મેળવતા રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે,આ બધુ પાછુ તેની જાણકારીમાં જ થયું છે.
ટ્રેઝરી ચીનની સરકારી બેન્કોની વિદેશી ચલણ અંગેની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.તેના દ્વારા ચીનની ચલણ અંગેની રીતરસમનું સ્પષ્ટ ચિત્ર મળતું રહે છે.વિયેતનામ અને તાઇવાને પણ આ માપદંડોનો ઘણી વખત ભંગ કર્યો છે.તેથી તેમના માટે કરન્સી મેનિપ્યુલટેરનું લેબલ યોગ્ય છે.બંને ટૂંક સમયમાં મોનિટરિંગ લિસ્ટમાં સ્થાન પામશે.
કરન્સી મેનિપ્યુલેટરનું લેબલ લાગવાથી અમેરિકન કાયદા હેઠળ કોઈ તાત્કાલિક કાર્યવાહી થતી નથી પરંતુ અહીં ટ્રેઝરી વિદેશની ટ્રેઝરી સાથે વાટાઘાટમાં જોડાય છે અને તેની ચલણ રીતરસમોમાં ફેરફાર માટેના પ્રયત્નો આદરે છે.હવે જો આ વાટાઘાટો નિષ્ફળ જાય તો વહીવટીતંત્ર વેપાર પ્રતિબંધો લાદે છે.આ પ્રતિબંધોને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ) સમક્ષ પડકારી પણ શકાય છે.