દંપતિએ ચાર વર્ષની બાળકીને બે વર્ષ સુધી ઘરમાં સિક્રેટ જગ્યા બનાવીને સંતાડી રાખી

433

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી.2022 : અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં બે વર્ષથી ગૂમ થયેલી ચાર વર્ષની બાળકી આખરે દાદર નીચે બનાવાયેલી ગુપ્ત જગ્યામાંથી પોલીસને મળી આવી છે.

બાળકી પેઈસ્લી જોઆન શલ્ટીસ 2019માં ન્યૂયોર્ક રાજ્યના કેયુગા હાઈટસ નામના ગામડામાંથી ગૂમ થઈ હતી.કિમ્બર્લી કૂપર અને કિર્ક શલ્ટીસ જુનિયર નામના દંપતિએ તેનુ અપહરણ કર્યુ હતુ.કોર્ટે તેમને બાળકીની કસ્ટડી સોંપી નહોતી.આમ છતા તેમણે પેઈસ્લીનુ અપહરણ કર્યુ હતુ.

દરમિયાન પોલીસને બે વર્ષ બાદ બાળકીને લઈને આ કપલ સોગારિટિઝ નામના એક ગામમાં આવેલા ઘરમાં છુપાયુ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.એ પછી તેમણે એ ઘરમાં તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસને ઘરના દાદર નીચેની ગુપ્ત જગ્યાનો પતો લાગ્યો હતો.

બાળકી સાથે રહેવા માટે કિમ્બર્લી અને કર્કે અહીંયા એક ગુપ્ત એપાર્ટમેન્ટ જેવુ બનાવી દીધુ હતુ.જેમાં પેઈસ્લીના નામનો એક બેડરુમ પણ બનાવ્યો હતો.

પોલીસનુ કહેવુ છે કે,આ પહેલા પણ અમે આ ઘરની વારંવાર મુલાકાત લીધી હતી પણ હંમેશા કિમ્બર્લી અને કર્કે બાળકી પોતાની સાથે હોવાનો ઈનકાર કર્યો હતો.

જોકે સોમવારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,બાળકીને એક સિક્રેટ કમ્પાર્ટમેન્ટ જેવુ બનાવીને છુપાવવામાં આવી છે અને પોલીસે વોરન્ટ સાથે મકાનની તપાસ હાથ ધરી ત્યારે આ બાળકી મળી આવી હતી.

બાળકીને હવે પોલીસે તેના કાયદેસરના માતા પિતાને સોંપી છે અને તેને છુપાવનારા દંપતિની ધરપકડ કરી છે.

Share Now