નેપાળમાં વિવાહ કરનારી ભારતીય મહિલાઓએ હવે નહીં લગાવવા પડે કોર્ટના ચક્કર, જાણો કારણ

453

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : નેપાળ અને ભારત વચ્ચે ખુલ્લી સરહદ હોવાના કારણે દર વર્ષે સેંકડો ભારતીય મહિલાઓના નેપાળમાં વિવાહ થતા હતા.પરંતુ ત્યાર બાદ મેરેજ સર્ટિફિકેટ માટે તેમણે કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડતા હતા.નેપાળની પાછલી કોમ્યુનિસ્ટ સરકારે ભારતીય મહિલાઓના રાજકીય અને સામાજીક અધિકારોમાં કાપ મુક્યો હતો.આ સાથે જ નેપાળી નાગરિક સાથે લગ્ન કરનારી ભારતીય મહિલાએ 7 વર્ષ સુધી નાગરિકતા પ્રમાણપત્ર મેળવવા રાહ જોવી પડે તેવા આકરા કાયદા બનાવ્યા હતા.જોકે,ભારે વિરોધ બાદ 7 વર્ષવાળો કાયદો પાછો લેવો પડ્યો હતો.

ત્યારે હવે નેપાળની દેઉવા સરકારે નેપાળમાં લગ્ન કરનારી ભારતીય મહિલાઓ માટે વધુ એક સગવડભર્યો કાયદો બનાવ્યો છે.ભારતીય મહિલાઓએ અગાઉ લગ્ન બાદ નેપાળની કોર્ટમાં સંબંધ પ્રમાણિત કરાવવો પડતો હતો.કોર્ટની મંજૂરી મળ્યા બાદ જ સ્થાનિક નગરપાલિકા કે ગામની પાલિકામાં લગ્નની નોંધણી થઈ શકતી હતી.

નેપાળ સરકારે રાષ્ટ્રીય પરિચય પત્ર અને પંજીકરણ નિયમાવલીની કલમ 16(6)માં પરિવર્તન કરીને કોર્ટમાં સંબંધ પ્રમાણિત કરવા માટેના નિયમને દૂર કરી દીધો છે.હવે કોઈ પણ ભારતીય મહિલા જે કોઈ નેપાળી નાગરિક સાથે લગ્ન કરશે તેને સીધું પોતાના ગામની પાલિકા કે નગરપાલિકાના વોર્ડ કાર્યાલયમાંથી જ લગ્નનું પ્રમાણપત્ર મળી જશે.

હવેથી નેપાળમાં લગ્ન કરનારી ભારતીય મહિલા પોતાના મેરેજ સર્ટિફિકેટની સાથે ભારતીય નાગરિકતા પરિત્યાગ કરવાના સપ્રમાણ દસ્તાવેજ જમા કરાવશે એટલે તેને તાત્કાલિક નેપાળની મેટ્રીમોનિયલ એડોપ્ટેડ સિટિઝનશીપનું પ્રમાણપત્ર મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જોકે માઓવાદી જેવી સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી હજુ પણ એ વાતની માગણી કરી રહી છે કે,નેપાળમાં લગ્ન કરીને આવેલી મહિલાઓને ઓછામાં ઓછા 7 વર્ષ બાદ જ નાગરિકતા આપવામાં આવે.

નેપાળના નવા બંધારણમાં ભારતીય દીકરીઓએ નેપાળમં અનેક રાજકીય અધિકારોથી વંચિત થવું પડ્યું છે જેના માટે મધેશી દળ હજુ પણ સંઘર્ષરત છે.હવે નેપાળમાં લગ્ન કરનારી ભારતીય દીકરીઓને નેપાળમાં અનેક ઉચ્ચ પદો માટે વંચિત કરી દેવામાં આવી છે જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ,સંસદ અધ્યક્ષ, પ્રધાન સેનાપતિ,પ્રદેશની મુખ્યમંત્રી,પ્રદેશ સભા અધ્યક્ષ જેવા પદ છે.

Share Now