નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી, 2022, શનિવાર : થોડા દિવસો પહેલા ગુરૂગ્રામ ખાતે એક એપાર્ટમેન્ટની છત પડવાના કારણે દુર્ઘટના બની હતી.ત્યાર બાદ એપાર્ટમેન્ટ બનાવનારા બિલ્ડર વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.માત્ર આ એક એપાર્ટમેન્ટ જ નહીં,શહેરમાં એવા અનેક એપાર્ટમેન્ટ છે જે રહેવા માટે સુરક્ષિત નથી.તેવામાં હરિયાણાના ગુરૂગ્રામ ખાતે સરકારી કંપની એનબીસીસી (ઈન્ડિયા) લિમિટેડ તરફથી એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.એનબીસીસી (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા નિર્મિત હાઉસિંગ સોસાયટીને રહેવા માટે અસુરક્ષિત ઘોષિત કરી દેવામાં આવી છે.આ સાથે જ તે સોસાયટીમાં રહેતા લોકોને ઈમારતો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સોસાયટીમાં આશરે 700 ફ્લેટ્સ આવેલા છે.તેવામાં અસુરક્ષિત ઘોષિત કરવામાં આવેલી આ બિલ્ડિંગને આગામી મહિના સુધીમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.બિલ્ડિંગને પહેલી માર્ચ સુધીમાં ખાલી કરવા કહેવામાં આવ્યું છે.સેક્ટર-37ડી સ્થિત એનબીસીસી ગ્રીન વ્યૂ સોસાયટીના 140 ફ્લેટમાલિકો અને એનબીસીસી અધિકારીઓ વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.હકીકતે એનબીસીસીના સર્વેમાં એ વાત સામે આવી હતી કે,આ ફ્લેટ્સ રહેવાની દૃષ્ટિએ સુરક્ષિત નથી અને કોઈ પણ સમયે તેમાં મોટી દુર્ઘટના બની શકે છે.
તેવામાં આ ફ્લેટ્સને સમયસર ખાલી કરી દેવામાં આવે તે જ યોગ્ય સમાધાન છે.ગુરૂગ્રામના ડીસી નિશાંત યાદવના કહેવા પ્રમાણે શિફ્ટિંગમાં જે ખર્ચો થશે તેની ચુકવણી એનબીસીસી દ્વારા કરવામાં આવશે. લોકો લાંબા સમયથી ત્યાં વસતા હોવાથી તેઓ આ આદેશ બાદ કઈ રીતે અને ક્યાં સુધીમાં શિફ્ટિંગ કરે તેનું પ્લાનિંગ કરી રહ્યા છે.