– પંજાબમાં 63 ટકા, ઉ.પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 60 ટકા મતદાન સપાની સ્થિતિ એટલી ખરાબ છે કે ખુદ સીએમપદના દાવેદાર અખિલેશે પોતાની બેઠક પર પિતા મુલાયમ દ્વારા પ્રચાર કરાવ્યો
ઉન્નાવ : પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું સાથે જ ઉત્તર પ્રદેશના ત્રીજા તબક્કાનું મતદાન પણ રવિવારે પૂર્ણ થઇ ગયું હતું.પંજાબમાં હિંસાની કોઇ મોટી ઘટના વગર શાંતિપૂર્વક 117 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 63 ટકા જેટલુ મતદાન યોજાયું હતું.
જ્યારે ઉત્તર પ્રદેશમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કા માટે 60 ટકા મતદાન યોજાયું હતું.દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.મોદીએ અખિલેશ યાદવ પર પિતા પર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે જે પિતા (મુલાયમસિંહ) નું પુત્ર અખિલેશે સત્તા માટે અપમાન કર્યું હતું,તે જ પિતાની મદદ હવે ચૂંટણી જીતવા માટે પુત્ર લઇ રહ્યા છે.અખિલેશ યાદવ માટે હાલ પિતા મુલાયમસિંહ યાદવ તેમના મત વિસ્તારમાં રેલીઓ કરી રહ્યા છે જેને ટાંકીને મોદીએ આ ટોણો માર્યો હતો.
ઉન્નાવમાં રેલીને સંબોધતા મોદીએ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટને પણ યાદ કર્યો હતો અને સમાજવાદી પાર્ટી પર આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.મોદીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી હંમેશા આતંકવાદીઓ પ્રત્યે નરમ વલણ દાખવતી રહી છે.
બીજી તરફ ભાજપે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.એક પત્ર દ્વારા ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે અખિલેશ યાદવે અમર્યાદિત અને અયોગ્ય ભાષા દ્વારા આચાર સંહિતાનો ભંગ કર્યો છે.અખિલેશે પ્રતિબંિધત વિસ્તારમાં આવીને મીડિયા સમક્ષ ભાષણ આપ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું.આ દરમિયાન કાનપુરના મેયર રિવોલ્વોર દીદી ચર્ચામાં આવી ગયા છે.આ મહિલા મેયરે મતદાન કરતી વેળાએ એક ફોટો લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.જેને પગલે જિલ્લા અિધકારીએ તેમની સામે ફરિયાદનો આદેશ આપ્યો હતો.
કાનપુરના મેયર પ્રમિલા પાંડે અગાઉ રિવોલ્વોર રાખવાને કારણે ચર્ચામાં હતા હવે તેઓ આ તસવીરથી ચર્ચામાં આવ્યા છે.પ્રમિલા ભાજપના મહિલા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.તેઓ સાડી પહેરે છે અને પોતાની પાસે રિવોલ્વોર પણ રાખે છે.જેથી તેમને લોકો રિવોલ્વોર દીદી તરીકે ઓળખે છે.
દરમિયાન અનુમતી વગર જ ચૂંટણી પ્રચાર કરવા બદલ ફિલ્મ અભિનેત્રી અને ભાજપમાં સામેલ માહી ગિલની સામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદમાં ભાજપના ઉમેદવાર રાણા ગુરમીતસિંહના પુત્ર અનુમિતસિંહનો પણ સમાવેશ કરાયો છે. પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું હતું,
જોકે ચર્ચાસ્પદ ઉમેદવારોમાં અભિનેતા સોનુ સૂદના બહેન કોંગ્રેસની ટિકિટ પર મોગા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.જેને પગલે સોનુ સૂદ જ્યારે આ મત વિસ્તારની મુલાકાત માટે જઇ રહ્યા હતા ત્યારે તેમને વચ્ચે જ અટકાવવામાં આવ્યા હતા.મતદારોને લલચાવવા તેઓ આ મુલાકાત માટે આવ્યા હોવાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરાઇ હતી.