કોલકાતા, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર : શ્રીલંકા સામેની ઘરેલુ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.તેમાં સ્ટાર વિકેટકીપર ઋદ્ધિમાન સાહાને નથી સિલેક્ટ કરવામાં આવ્યો. ત્યાર બાદ સાહા અને કોચ રાહુલ દ્રવિડને લઈ કેટલાક ખુલાસાઓ થયા હતા.સાહાએ કહ્યું હતું કે,દ્રવિડે તેને સંન્યાસ લેવાની સલાહ આપી છે.
સાહાના આ નિવેદન પર હવે કોચ દ્રવિડનું નિવેદન સામે આવ્યું છે.વેસ્ટઈન્ડીઝ સામે ત્રીજી ટી20 જીત્યા બાદ દ્રવિડે કોલકાતા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે,’સાહાએ ક્રિકેટમાં જે યોગદાન આપ્યું છે તેનું હું સન્માન કરૂં છું.’હું નથી ઈચ્છતો કે,મેં તેને જે કહ્યું એ તેણે બીજા લોકો પાસેથી સાંભળવું પડે.હું ઈચ્છતો હતો કે,તે સંપૂર્ણ સત્ય મારા પાસેથી જ સાંભળે.
બધા ખેલાડીઓ સાથે આ રીતે વાત કરે છે
દ્રવિડે કહ્યું કે,’સાહાની વાતોથી હું બિલકુલ પણ દુખી નથી થયો.હું ઋદ્ધિમાન સાહાનું દિલથી સન્માન કરૂં છું.તેની ઉપલબ્ધિઓ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનનું સન્માન કરૂં છું.અમારી વાતચીત પણ સન્માન સાથે થઈ હતી.તે ઈમાનદારી અને સ્પષ્ટતાનો હકદાર છે.હું નથી ઈચ્છતો કે,મેં તેને જે કહ્યું એ જ વાત તેને મીડિયા પાસેથી જાણવા મળે.’
ભારતીય કોચે કહ્યું કે,’હું સતત તમામ ખેલાડીઓ સાથે આ પ્રકારે વાતચીત કરતો રહું છું.હું બિલકુલ પણ દુખી નથી કારણ કે,હું એ જાણું છું કે,ઘણી વખત પ્લેયર્સ આ પ્રકારના મેસેજને પસંદ નથી કરતા. આ વાતો આકરી હોય છે.’
પ્લેઈંગ-11 પસંદ કર્યા બાદ પણ વાત કરે છે
દ્રવિડે કહ્યું કે,’પ્લેઈંગ-11 પસંદ કરતા પહેલા પણ આમ જ બને છે.ફક્ત હું જ નહીં પણ કેપ્ટન રોહિત પણ ખેલાડીઓ સાથે વાત કરે છે અને જણાવે છે કે,તેમને નથી રમાડી રહ્યા.અમે ખેલાડીઓના સવાલ-જવાબ માટે પણ તૈયાર રહીએ છીએ.તેઓ શા માટે નથી રમી રહ્યા અને જેઓ રમી રહ્યા છે તેને શા માટે રમાડી રહ્યા છીએ.’
ઋદ્ધિમાન સાહાએ શું કહેલું?
સાહાએ દ્રવિડને લઈ કહ્યું હતું કે,’ટીમ મેનેજમેન્ટે મને કહ્યું હતું કે,હવે મારા નામ પર વિચાર નહીં કરવામાં આવે.હું આ ત્યાં સુધી નહોતો જણાવી શકતો જ્યાં સુધી હું ભારતીય ટીમનો હિસ્સો હતો.એટલે સુધી કે,કોચ રાહુલ દ્રવિડે પણ મને સંન્યાસ લેવા અંગે વિચારવાની સલાહ આપી હતી.’