સસ્તુ સોનાના નામે ઠગાઇ કરતી ગેંગનું મોટું નેટવર્કઃ ચેન્નાઇના વેપારી પાસે 1.79 કરોડ પડાવ્યા

412

– વડોદરાઃ દિલ્હીના વેપારીને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી રૃ.૭૨ લાખ પડાવી લેવાના ગુનામાં વડોદરા પોલીસે પકડેલા ભૂજના અલીમહંમદ હાજી સામે માંડવી કચ્છ ખાતે ચેન્નાઇના વેપારી પાસે રૃ.૧.૭૯ કરોડ પડાવી લેવાનો વધુ એક ગુનો નોંધાતા ભૂજ પોલીસ દ્વારા તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે.
સસ્તુ સોનુ આપવાના બહાને ઠગાઇ કરતી ભૂજની ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૂજના અલીમહંમદ ઉર્ફેહાજી સોઢાની ગેંગના સાગરીતો બીજા રાજ્યોમાં પણ કામ કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા ઇલિયાસ ઉર્ફે વિક્કીએ દિલ્હીના વેપારીને સસ્તુ સોનુ આપવાના બહાને ફસાવી ભૂજના અલીમહંમદ હાજી પાસે લઇ ગયો હતો.જ્યાં,વેપારીને એરગન જેવું હથિયાર બતાવીને ધમકી આપીને તેની પાસે રૃ.૭૨ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી આર ખૈર અને ટીમે ભૂજ ખાતેથી હાજીની ધરપકડ કરતાં તેને વડોદરા જેલમાં મોકલાયો છે.

દરમિયાનમાં અલીમહંમદ સામે ભૂજના માંડવી ખાતે ચેન્નાઇના ચોકસી ગૌતમ ધનરાજ શાહને આ જ રીતે સસ્તુ સોનુ આપવાના નામે રૃ.૧.૭૯ કરોડ પડાવી લીધા હોવાની માંડવીના મરિન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા ભૂજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી અલીમહંમદને લઇ જવાની તજવીજ કરી છે.

ભૂજ ખાતે બનેલા છેતરપિંડીના બનાવમાં અલીમહંમદ હાજીની સાથે ચેન્નાઇની આઇસીઆઇસીઆઇ બેન્કનું કામ કરતો યોગેશ પ્રજાપતિ ઉપરાંત નાગપુરના શીવા સહિત ૧૩ જણાની ભૂમિકા બહાર આવી છે.વેપારીએ સોનુ ખરીદવા માટે રૃ.૧.૭૯ કરોડ આપતાં તેને માત્ર ૫૦૦ ગ્રામ સોનુ આપ્યું હતું.

સસ્તા સોનાના નામે ઠગતી ગેંગનું વડોદરા સાથે કનેક્શન

તાંદલજાના ઇલિયાસ બાદ જયેશ પટેલનું પણ નામ ખૂલ્યું

સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઇ કરતી ભૂજની ગેંગમાં વડોદરાનું સીધુ કનેક્શન નીકળ્યું છે.

દિલ્હીના વેપારી પાસે રૃ.૭૨ લાખ પડાવી લેનાર ગેંગમાં તાંદલજાના ઇલિયાસ અજમેરી ઉર્ફે વિક્કીખાનની મુખ્ય ભૂમિકા ખૂલી હતી.મોટાભાગની રકમ વિક્કી પાસે આવી હોવાની આશંકા સેવાઇ રહી છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વડોદરાના જયેશ પટેલની પણ મહત્વની ભૂમિકા બહાર હોવાનું ખૂલ્યું છે.છોટાઉદેપુર જિલ્લાનો જયેશ કેટલાક સમયથી વડોદરામાં રહેતો હોવાની અને તેણે જ અલીમહંમદ હાજી તેમજ ઇલિયાસ વિક્કી વચ્ચે સંપર્ક કરાવ્યો હોવાની વિગત ો બહાર આવી છે.જેથી જયેશ પટેલ અને ઇલિયાસ પકડાય તો વધુ ચોંકાવનારી વિગતો બહાર આવશે.

જહાજ બતાવીને સાગરીતોએ કહ્યું કે,આ જહાજ હાજીસાહેબનું છે

ભૂજના અલીમહંમદ હાજી અને તેની ગેંગ દ્વારા વેપારીઓને શીશામાં ઉતારવા માટે સાગરીતો કેવી રીતે સીન ઉભો કરતા હતા તેની વિગતો ચેન્નાઇના વેપારીની ફરિયાદ પરથી જણાઇ આવે છે.

દિલ્હી અને ચેન્નાઇના વેપારી સાથે સસ્તુ સોનુ આપવાના બહાને થયેલી ઠગાઇના કિસ્સામાં ભૂજના અલીમહંમદને મોટા દાણચોર તરીકે ઓળખાવીને સાગરીતો કહેતા હતા કે,સાહેબના કસ્ટમ ઓફિસરો સાથે સારા સબંધો છે અને તેને કારણે તેમને સસ્તુ સોનુ મળે છે.પરંતુ બે-ત્રણ કરોડથી વધુ રકમ હોય તો જ સોનુ આપશે.

સાગરીતો વેપારીને માંડવી નજીક દરિયા કિનારે લઇ ગયા હતા અને ત્યાં જહાજ બતાવી કહ્યું હતું કે,આ જહાજ હાજી સાહેબનું બને છે અને સસ્તુ સોનુ આવે છે.હાજીને ત્યાં ગયા ત્યારે તેણે પણ દાણચોર હોવાનું બતાવી આપવા રોફ જમાવ્યો હતો.

Share Now