– નાસાએ સ્પેસ એક્સ વિરૂદ્ધ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનને પાંચ પાનાંનો પત્ર લખ્યો
મુંબઇ : અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ સ્પેસ એક્સ કંપનીની પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 30,000 સેટેલાઇટ્સ તરતા મૂકવાની યોજના સામે લાલ આંખ કરી છે.સ્પેસ એક્સ કંપની અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની છે.
નાસાએ સ્પેસ એક્સની આ યોજના વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરીને 2022ની 8,ફેબુ્રઆરીએ ચેતવણીરૂપે અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશન(એફ.સી.સી.) ને પાંચ પાનાંનો પત્ર લખ્યો છે.
બીજીબાજુ એફ.સી.સી.પણ સ્પેસ એક્સની સ્ટાર લિન્ક-જીઇએન-2 (જનરેશન-2)ની ન્યુ જનરેશન સેટેલાઇટ્સ યોજનાની પરવાનગી વિશે પુન:વિચાર કરતી હોવાના અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા છે.એફ.સી.સી. દ્વારા સ્પેસ એક્સને 2018માં 12,000 સેટેલાઇટ્સ તરતા મૂકવાની પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી.
નાસાએ તેના પત્રમાં એવી ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સ્પેસ એક્સની સ્ટારલિન્ક-જીઇન-2(જનરેશન-2) યોજનાથી અમારા (નાસાના) અવકાશયાત્રીઓની જિંદગી માટે જોખમ સર્જાઇ શકે છે. સાથોસાથ અંતરીક્ષમાં ભયંકર અથડામણ પણ થઇ શકે છે.ઉપરાંત, આટલા બધા સેટેલાઇટ્સથી તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ બની જશે.
પરિણામે નાસાના ભાવિ વિજ્ઞાાન (અંતરીક્ષ સંશોધન) સંબંધી અને સમાનવ અવકાશયાનના પ્રોજેક્ટ્સમાં પણ અવરોધ સર્જાશે.નાસાએ તો તેના પત્રમાં એવો ગંભીર મુદ્દો પણ રજૂ કર્યો છે કે ભવિષ્યમાં અંતરીક્ષમાંથી કદાચ પણ કોઇ મોટો લઘુગ્રહ પૃથ્વી ભણી ધસમસતો આવે તો તેને શોધવામાં પણ મુશ્કેલી થઇ શકે છે.