(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩ : સુપ્રીમ કોર્ટે સીબીએસઇ અને અન્ય બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધો.૧૦ અનેૈ ૧૨ની ઓફલાઇન પરીક્ષા રદ કરવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે.સુપ્રીમે જણાવ્યું છે કે આવી અરજીઓ આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ખોટી આશા જગાવે છે અને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ પેદા કરે છે.
સુપ્રીમ કોર્ટે આવી માગ કરતી અરજીઓને ગેર માર્ગે દોરનારી અને અપરિપક્વ ગણાવી હતી.ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકરે અરજકર્તાઓ વતી હાજર રહેલા વકીલને જણાવ્યું હતું કે આવી અરજીઓ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ખોટી આશા જગાવે છે.આવી અરજીથી વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે. સત્તાવાળાઓને આ અંગે નિર્ણય લેવા દો.જો નિર્ણય ખોટો હોય તો તેને પડકારો.
ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર ઉપરાંત ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયમૂર્તિ સી ટી રવિકુમાર બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે આનાથીવિદ્યાર્થીઓમાં ખોટી આશા જાગે છે અને પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઉભી થાય છે.
અરજકર્તાઓ વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે અત્યાર સુધી મોટાના રાજ્યોના બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી નથી.તે અંગે ખૅડપીઠે જણાવ્યું હતું કે જ્યારે પરીક્ષા નજીક આવશે તેમના દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.તો તમને સમસ્યા શું છે?
અરજકર્તાઓના વકીલે ગયા વર્ષના ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો.તો તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે થયું તેના આધારે વર્તમાનમાં ચુકાદો આપી ન શકાય.આવા પ્રકારની અરજીઓથી સિસ્ટમમાં વધુ ગૂંચવણ ઉભી થાય છે.
અરજકર્તાના વકીલે જણાવ્યું હતું કે સીબીએસઇ દ્વારા ગયા વર્ષે ડિસેમ્બરમાં લેવામાં આવેલ ફર્સ્ટ ટર્મ બોર્ડ ઓફલાઇન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી.