RUSSIA-UKRAINE WAR LIVE : સેન્સેકસ-નિફટી 3.50% તૂટ્યાં, રૂપિયો-ક્રિપ્ટો ધરાશાયી, ક્રૂડ 103 ડોલરને પાર : વૈશ્વિક માર્કેટમાં ભારે ઉથલપાથલ

447

મુંબઇ, તા. 24 ફેબ્રુઆરી 2022, ગુરૂવાર

યુરોપિયન બજાર ઘટાડે ખુલ્યાં

રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવ હેઠળ યુરોપના ટોચના બજાર ભારે કડાકા સાથે ખુલ્યાં છે.જર્મનીનું શેરબજાર 4.8%, ફ્રાંસનું બજાર 4.4%, યુકેનું બજાર 3.1% અને ઈટાલીનું ઈન્ડેકસ પણ 4.3% તૂટ્યું છે.

ફરી રશિયાનું બજાર બંધ

યુદ્ધના ભણકારા વચ્ચે રશિયાના શેરબજારમાં ભારે અફરાતફરીના માહોલ વચ્ચે એક વખત ટ્રેડિંગ બંધ કર્યા બાદ 1 વાગ્યાના સુમારે ફરી શેરબજાર શરૂ કરવામાં આવ્યું હતુ.જોકે ફરી ઈન્ડેકસમાં ભારે કડાકાને પગલે મોસ્કો સ્ટોક એક્સચેન્જને બંધ કરવાનો ર્નિણય સત્તાધીશોએ લીધો છે. ઈન્ડેકસ ઈન્ટ્રાડેમાં 25% તૂટયાં કામકાજ બંધ કરવાની ફરજ પડી છે.આ સાથે રશિયાનું RTS ફ્યુચર તો 40% સુધી તૂટ્યું છે.

રશિયાનું બજાર ફરી ખુલ્યું અને ફરી……….

રશિયાએ શેરમાર્કેટને ભારે કટોકટીની સ્થિતિમાં બંધ કર્યું હતુ.જોકે, અમુક સમયના સસ્પેન્શન બાદ બજાર ફરી ખુલતાં ફરી કડાકો જોવા મળ્યો છે. મોસ્કો સ્ટોક એક્સચેન્જ રી-ઓપનિંગમાં 13% તૂટ્યું છે.

ક્રૂડ 103 ડોલરને પાર

રશિયા-યુક્રેનના અરાજકતાના માહોલમાં ક્રૂડ ભડકે બળી રહ્યું છે.વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ 103 ડોલરને પાર નીકળ્યું છે જે આગામી સમયની મોંઘવારી સહિતની તમામ ચિંતાઓ સાથે વ્યાજદરનો ઝડપી વધારો પણ સૂચવે છે.ભારતીય શેરમાર્કેટમાં શરૂઆતી સેશનમાં જોવા મળી રહેલ સામાન્ય રિકવરી ફરી ધોવાઈ છે અને 1 કલાકે બજાર ફરી ઈન્ટ્રાડે લો તરફ આગળ વધી રહ્યું છે.બીએસઈ સેન્સેકસ 1876 અંકોના કડાકે 55,355ના લેવલે કામકાજ કરી રહ્યું છે.સેન્સેકસના તમામ 30 શેર નેગેટીવ ઝોનમાં કામકાજ કરી રહ્યાં છે. તમામ શેર 2%થી વધુ ગગડ્યાં છે.નિફટી 50 ઈન્ડેકસ પણ 3.45% એટલેકે 587 અંકોના કડાકે 16.475ના લેવલે કામકાજ કરી રહ્યું છે.

આજે સૌથી વધુ ખાનખરાબી નાના શેરમાં જોવા મળી છે.બીએઅઈ મિડકેપ ઈન્ડેકસ 4.55% તો સ્મોલકેપ ઈન્ડેકસ 4.72% તૂટ્યાં છે.આજે બીએસઈ ખાતે માત્ર 232 શેર જ વધીને તો 3051 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે.સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે આજના સત્રમાં 789 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.

રશિયાએ શેરબજાર બંધ કર્યું

ભરે તંગદિલીના માહોલ વચ્ચે રશિયાએ પોતનું શેરબજાર બંધ કરવાનો નિર્ણૅય કર્યો છે.અહેવાલ અનુસાર મોસ્કો એક્સચેન્જમાં કારોબાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

નેચરલ ગેસમાં ભડકો

નેચરલ ગેસના વિશ્વના સૌથી મોટા બજાર રશિયામાં અનિશ્ચિત્તાના માહોલ વચ્ચે ભાવમાં ભડકો થયો છે. નેચરલ ગેસના ભાવ પાંચ ટકા ઉછળ્યાં છે. યુરોપમાં ત્રીજા ભાગનો પુરવઠો રશિયા વેચે છે.

સોનાના ભાવમાં ઉછાળો

યુક્રેન-રશિયાના યુદ્ધભર્યા માહોલ વચ્ચે સોના-ચાંદીમાં ભડકો આવ્યો છે.વૈશ્વિક સોનું હાજર બજારમાં 1939 ડોલર આસપાસ પહોંચ્યું છે.ગોલ્ડ વાયદો 1940.8 ડોલર પ્રતિ ઔંસ. ભારતના સ્થાનિક બજારમાં હાજર સોનું ૫૨,૨૮૭ પ્રતિ ૧૦ ગ્રામ વાયદો 51434ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ચાંદી પણ હાજર બજારમાં 68887 પ્રતિ કિલો છે.

રૂપિયામાં 55 પૈસાનો કડાકો

વૈશ્વિક અરાજકતાના માહોલ વચ્ચે સેફ હેવન ગણાતા યુએસ ડોલર અને સોનામાં રોકાણ શિફ્ટ થઈ રહ્યું છે.ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયો ગુરૂવારના શરૂઆતી સત્રમાં 55 પૈસાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

રશિયાના યુક્રેન હુમલાથી આહત થયેલ ભારતીય રૂપિયો 55 પૈસાના ઘટાડે 75.61 પ્રતિ યુએસ ડોલરના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.વિશ્લેષકોનું માનવું છે કે મોંઘવારીની ચિંતા હેઠળ હવે આ આંતરરાષ્ટ્રીય સરહદી સમસ્યાઓ અને ક્રૂડનો ઉછાળો રૂપિયાને 77 સુધીના લેવલ સુધી ઘટાડી શકે છે.

રોકાણકારોના 7.5 લાખ કરોડ ધોવાયા

રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો છે અને ક્રૂડ પણ ભડકે બળ્યું છે.સેન્સેકસ-નિફટીમાં 3%ના કડાકાની સાથે ક્રૂડ ઉચાળા ભરી રહ્યું છે.વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર નીકળ્યું છે.આજના શેરબજારના કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં 7.5 લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રજોગ સંદેશમાં યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપતા વિશ્વભરના બજારો પર તેની અસર જોવા મળી રહી છે. ભારતમાં નિફ્ટી 514 પોઇન્ટ, સેન્સેકસ 1829 પોઇન્ટ ઘટીને ખુલ્યા છે.ગુરુવારે શેરબજરમાં મોટો કડાકો જોવા મળે એવી શક્યતા છે.અમેરિકન બજારો ત્રણ ટકા જેટલા ઘટી બંધ આવ્યા છે.નિફ્ટી સિંગાપોર ફ્યુચરમાં 333 પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ 98 ડોલરની સપાટીએ છે.

ક્રૂડ 100 ડોલર, ડાઉ જોન્સ ફ્યુચર 500 પોઇન્ટ તૂટ્યો છે. હેંગ સેંગ્ 600 પોઇન્ટ તૂટ્યો છે અને નિફ્ટી 16700ની નીચે ખૂલે એવી શક્યતા છે. 400 પોઈન્ટનો કડાકો સેન્સેકસમાં 1500 પોઇન્ટ ઘટાડો જોવા મળે એવી શક્યતા છે.વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો 32 ડોલર ઉછળી 1933 ડોલર પ્રતિ ઔંસ પહોચ્યો છે.

આજે બજાર 16800ની નીચે ખૂલે એવી શક્યતા છે.

સવારે 10:15 કલાકે શેરબજારમાં કડાકથી રોકાણકારોની સંપત્તિમાં રૂ.8.13 લાખ કરોડનું ધોવાણ થયું છે.સેન્સેક્સની બધી કંપનીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2840 શેરમાં ઘટાડા સામે માત્ર 243માં વૃદ્ધિ એટલે દર એક વધેલા શેર સામે 10માં ઘટાડો થયો છે. સર્વત્ર વેચાણ જોવા મળી રહ્યું છે.એન એસ ઈ ઉપર દરેક ક્ષેત્રના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ,રિયલ.એસ્ટેટ,આઇટી અને ઓઈલ એન્ડ ગેસ સૌથી વધુ તૂટયા છે.

Share Now