નવી દિલ્હી,તા.24.ફેબ્રુઆરી.2022 : રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધુ છે.અમેરિકા અને નાટો દેશો રશિયાને કેવી રીતે જવાબ આપવો તે વિચારી રહ્યા છે.કારણકે રશિયા એક પરમાણુ શક્તિ ધરાવતો દેશ પણ છે.પુતિને તો અન્ય દેશોને ધમકી આપી જ છે કે, કોઈએ પણ વચ્ચે હસ્તક્ષેપ કર્યો તો આકરો જવાબ આપીશું.દરમિયાન રશિયાએ પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારને પણ અત્યાધુનિક બનાવી દીધો છે.રશિયા પાસે 4477 જેટલા પરમાણુ હથિયારો છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના રિપોર્ટ પ્રમાણે આ હથિયારો પૈકી 2546 હથિયારો વ્યૂહાત્મક અને 1912 હથિયારો બિન વ્યૂહાત્મક છે.રશિયા પરમાણુ હથિયારોના માળખાનુ પણ ઝડપથી આધુનિકકરણ કરી રહ્યુ છે.રશિયાએ યુક્રેન બોર્ડર પર એવા પણ લોન્ચર તૈનાત કર્યા છે જેની મદદથી ન્યક્લિયર બોમ્બ પણ ફેંકી શકાય તેમ છે.જોકે પરમાણુ હથિયારો બોર્ડર પર તૈનાત થયા હોય તેવા પૂરાવા હજી મળ્યા નથી.
અમેરિકન વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, રશિયા છેલ્લા એક દાયકાથી પોતાના પરમાણુ હથિયારોને આધુનિક બનાવી રહ્યુ છે.રશિયા નવા હથિયારો તૈનાત કરી રહ્યુ છે.ગયા વર્ષે જ પુતિને કહ્યુ હતુ કે, રશિયાએ પણ પોતાના પ્રતિસ્પર્ધીઓની જેમ આધુનિકકરણની દોડમાં આગળ રહેવુ પડશે.પુતિને કહ્યુ હતુ કે, આ ફોર્મ્યુલા વનની રેસ નથી પણ સુપર સોનિક કરતા પણ વધારે તેજ રેસ છે.જો તમે એક સેકન્ડ પણ રોકાઈ ગયા તો બીજા કરતા પાછળ પડી જવાનો ડર રહે છે.પુતિને રશિયાની આસપાસ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાનો આરોપ અમેરિકા પર મુકયો હતો.