યુક્રેનમાં વડોદરાના 50 કરતા વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે, જાણો તેમણે શું કહ્યુ

171

વડોદરાઃ યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણથી સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.રશિયાના જંગના એલાન બાદ આજે સવારથી યુક્રેને પોતાની એરસ્પેસ સિવિલિયન વિમાનો માટે બંધ કરી દેતા ભારતના ૧૮૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે.જેમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.એક અંદાજ પ્રમાણે વડોદરાના પણ ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે.મોટાભાગનાએ ૨૪ થી ૨૮ ફેબુ્રઆરી દરમિયાન પાછા આવવા માટે ફ્લાઈટોની ટિકિટ બૂક કરાવી હતી.તેમના વાલીઓમાં હાલમાં ચિંતાનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનુ કહેવુ હતુ કે,અમને વડોદરાના ૪૪ તેમજ વડોદરામાં જેમના સગા રહેતા હોય તેવા બીજા ૧૨ વિદ્યાર્થીઓના નામ અને બીજી જાણકારી મળી છે.જે અમે વિદેશ મંત્રાલયને મોકલી આપી છે.આ વિદ્યાર્થીઓને વહેલી તકે પાછા લાવવા માટે ભારત સરકારે મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ છે.

વડોદરાની વિદ્યાર્થિની અને બીજા વિદ્યાર્થીઓ

કીવ એરપોર્ટ પર પહોંચ્યા અને ખબર પડી કે ફ્લાઈટો બંધ કરી દેવાઈ છે

બોમ્બમારાથી બચવા માટે બનાયેલા કીવના અન્ડરગ્રાઉન્ડ શેલ્ટરમાં આશરો લીધો

વડોદરા અને ગુજરાતના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ યુક્રેનના ચેરનિવત્સી શહેરમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.આ પૈકીની એક વિદ્યાર્થિનીના માતા હેમલબેન મહેતા શહેરની સ્કૂલના આચાર્ય છે.તેમણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે,મારી પુત્રી સહિત આઠથી દસ વિદ્યાર્થીઓ ભારતીય સમય પ્રમાણે આજે વહેલી સવારની ફ્લાઈટમાં બેસીને યુક્રેનથી નિકળવાના હતા.આ માટે તેઓ ગઈકાલે બસમાં બેસીને ચેરનિવિત્સી શહેરથી ૫૦૦ કિલોમીટર દુર આવેલી યુક્રેનની રાજધાની કીવના એરપોર્ટ પર ગઈકાલે મધરાતે પહોંચ્યા હતા.આજે સવારે એરપોર્ટ પર તેમને ખબર પડી હતી કે,રશિયાએ આક્રમણ કરી દીધુ અને વિમાનોની અવર જવર પર રોક લગાવી દેવાઈ છે.

હેમલબેને કહ્યુ હતુ કે,બાદમાં તેમને એરપોર્ટ પરથી પણ રવાના કરી દેવાયા હતા.તેમને ફરી ચેરનિવત્સી જવાનો વારો આવ્યો છે.જોકે ત્યાંથી બસની વ્યવસ્થા કરવામાં આવે અને બસ કીવ શહેર પહોંચે ત્યાં સુધી તેમણે કીવ શહેરમાં બોમ્બમારા સામે બચવા માટે ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં આશરો લીધો છે.આ વિદ્યાર્થીઓના મોબાઈલની બેટરી પણ ખતમ થઈ જવા આવી છે.આખી રાતના ઉજાગરથી તેઓ થાકી ગયા છે.હાલમાં તેમને ચેરનિવત્સી પાછા જવા સિવાય છુટકો રહ્યો નથી.સવારે મારી પુત્રી સાથે વાત કરી ત્યારે તેણે કહ્યુ હતુ કે,અહીંયા સારુ છે અને ટેન્શન કરવાની જરુર નથી.જોકે રશિયા અચાનક આક્રમણ કરી દેશે તેવી અપેક્ષા તો યુક્રેનના સ્થાનિક લોકોએ પણ રાખી નહોતી.

યુક્રેનમાં ફસાયેલી પાદરાની વિદ્યાર્થિનીએ કહ્યુ કે

ફ્લાઈટ કેન્સલ થતા ૫૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ એરપોર્ટ પરથી પાછા ફર્યા

અદિતિ પંડયાનુ કહેવુ છે કે,ડરનો માહોલ છે પણ હજી સુધી કોઈ ખતરાનો સામનો કરવો પડયો નથી

વડોદરા નજીક પાદરા તાલુકાના મોભારોડ ખાતે રહેતા અજય પંડયાની પુત્રી અદિતિ પંડયા પણ ચેરનિવત્સીની યુનિવર્સિટીમાં ભણે છે.તે ડિસેમ્બરમાં જ યુક્રેન અભ્યાસ માટે ગઈ છે અને બે મહિનામાં ત્યાં કટોકટી સર્જાઈ છે.વડોદરા આવવા નિકળેલા વિદ્યાર્થિઓના ગુ્રપમાં તે પણ સામેલ હતી.તેની સાથે અમે વાત કરી ત્યારે તેઓ કીવ એરપોર્ટથી ૫૦ કિલોમીટર દૂર એક જગ્યાએ આશ્રય લઈ રહ્યા હતા.તેની સાથે આ જગ્યાએ બીજા ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પણ હતા.જેમની ફ્લાઈટ પણ કેન્સલ થઈ હતી.અદિતિએ અમને કહ્યુ છે કે,ડરનો માહોલ છે પણ હજી સુધી કોઈ ખતરાનો સામનો કરવો પડયો નથી.કોલેજે પાછા લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ એરપોર્ટ પર મધરાતે પહોંચી ગયા હતા પણ રશિયાએ હુમલો કરતા જ એરપોર્ટ પણ ટાર્ગેટ બને તેવી શક્યતા હતી.એટલે વિદ્યાર્થીઓને ભારતીય સમય પ્રમાણે મોડીરાત્રે ત્રણ વાગ્યે જ એરપોર્ટની બહાર મોકલી દેવાયા હતા.

વિદ્યાર્થીઓને લઈને બસ પાછી ચેરનિવત્સી જવા રવાના થઈ ગઈ છે

અન્ય એક ગુજરાતી વિદ્યાર્થી દેવ શાહના પિતાએ કહ્યુ હતુ કે,ગુજરાતી વિદ્યાર્થીઓનુ જે ગૂ્રપ આજે સવારે ફ્લાઈટ કેન્સલ થવાના કારણે અટવાઈ ગયુ હતુ તેમાં મારા પુત્રનો પણ સમાવેશ થતો હતો.તેમને બે થી ત્રણ કલાક સુધી કીવમાં રહેવુ પડયુ હતુ.ચેરનિવત્સીની યુનિવર્સિટીએ તેમને લેવા માટે મોકલેલી બસ ટ્રાફિકમાં અટવાઈ ગઈ હતી.જોકે હવે વિદ્યાર્થીઓ પાછા ચેરનિવત્સી શહેરમાં જવા રવાના થઈ ગયા છે.ચેરનિવત્સી શહેર યુક્રેનના પશ્ચિમ હિસ્સામાં છે અને જો સરકાર મંજૂરી આપે તો વિદ્યાર્થીઓ પશ્ચિમ બોર્ડર ઓળંગીને યુરોપના બીજા શહેરમાંથી ફ્લાઈટ પકડવાના વિકલ્પ પર પણ વિચારી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરે છે ત્યાં જનજીવન સામાન્ય,યુધ્ધની કોઈ અસર નહીં

વડોદરાના ગોત્રી રોડ પર રહેતા સંદીપભાઈ કંસારાની પુત્રી સંપદા પણ ચેરનિવત્સી શહેરની મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.સંદીપભાઈનુ કહેવુ છે કે,મારી પુત્રી અને બીજા વિદ્યાર્થીઓની ફ્લાઈટ આવતીકાલે હતી.એટલે તેઓ હજી કાલે નિકળવાના હતા.તેમને હવે રાહ જોવી પડશે.મારી પુત્રીએ મને કહ્યુ હતુ કે,ચેરનિવત્સી શહેર યુક્રેનમાં જ્યાં યુધ્ધ થયુ છે તેનાથી ઘણુ દૂર છે અને અહીંયા કોઈ ખતરો નથી.જન જીવન રાબેતા મુજબ છે.યુનિવર્સિટીમાં શિક્ષણ પણ ચાલી રહ્યુ છે.વિદ્યાર્થીઓ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે.એટલે ટેન્શન જેવી વાત નથી.

સંદીપ ભાઈનુ કહેવુ હતુ કે,ચેરનિવત્સી શહેરમાં પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે અને સરકાર જો ઈચ્છે તો અહીંથી પણ વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરી શકે છે.આ વાત પર સરકારે ધ્યાન આપવુ જોઈએ.

Share Now