શાંધાઇ ,26 ફેબ્રુઆરી,2022,શનિવાર : ચીનના પૂર્વી સેજિયાંગ પ્રાંતમાં શેગશાન ટાપુ પાસે હૌટુવાન નામનું ગામ આવેલું છે.બે દાયકા પહેલા આ ગામના તમામ લોકો સ્થળાંતર કરીને અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે.આ નાનકડું ગામ એક સમયે ૨૦૦૦થી વધુ માછીમારો અને ૫૦૦થી પરીવારોથી ધમધમતું હતું.૯૦ના દાયકા આસપાસ રહેવાસીઓએ બાળકોના શિક્ષણ અને સારા જીવનની શોધમાં ગામ છોડી દીધું હતું. ૧૯૯૪માં મોટા ભાગના રહેવાસીઓ અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હતા. ૨૦૦૨માં ગામની છેલ્લી એક વ્યકિત બાજુના ગામમાં ભળી જતા ગામ સાવ માનવવિહોણું બન્યું હતું.
કોઇએ ગાર્ડનિગ કર્યુ હોય એ રીતે પાંગરી છે વનસ્પતિ
આમ જોવા જઇએ તો માનવસ્તી વગરનું ગામ વેરાન- ઉજ્જડ લાગવું જોઇએ પરંતુ સમય જતા સમુદ્ર અને ખડકોથી બનેલી મોટી સૂમસામ ઇમારતો પર લીલી વનસ્પતિ ઉગી નિકળી હતી.વનસ્પતિ પણ આડેધડ નહી પરંતુ કોઇએ ગાર્ડનિગ કર્યુ હોય એ રીતે ઘરોની દિવાલ,છાપરા સહિત ઇમારતોને કલાત્મક રીતે વિટંળાઇ છે આથી જ તો આ ગામને નેચરર્સ માસ્ટર પીસ તરીકે ઓળખવામાં આવે છે.માણસો દ્વારા ત્યજી દેવામાં આવેલા ગામને જાણે કે કુદરતે પોતાના ખોળે લઇ લીધું છે.
માનવવિહોણા ગામની સુંદર તસ્વીરો વાયરલ થતી રહે છે
આમ તો ઘણા ગામોમાંથી મોટા પાયે સ્થળાંતર થતું હોય છે એમાં કોઇ નવાઇ હોતી નથી.આવું જ હૌટુવાનથી થયેલા સ્થળાંતર અંગે માનવામાં આવતું હતું પરંતુ ૨૦૧૫માં પ્રથમવાર એક ફોટોગ્રાફરે વિરાન, માનવવિહોણા ગામની સુંદર તસ્વીરો પાડી ત્યારે દુનિયા દંગ રહી ગઇ હતી.કોઇ પરીકથાની જેમ મંત્રમુગ્ધ કરી દેતા હૌટુવાનના ફોટા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહયા હતા.સ્થાનિક લોકો નો તો થોડાક સમયમાં જ ધસારો રહેવા લાગ્યો હતો.કુદરતી રીતે જ ઉગી નિકળેલી વનસ્પતિ અને ઘાસના કારણે ઘરોને લીલી ચાદર ઓઢાડવામાં આવી હોય તેવું ખૂબસૂરત જણાય છે.
લોકો હવે આ ગામ જોવા દૂર દૂરથી આવવા લાગ્યા છે
ચીનના સ્થાનિક તંત્રએ અવસર પારખીને આ ગામનો એટલો પ્રચાર કરવા માંડયો કે નેચર વિલેજ તરીકે દુનિયામાં ફેમસ બન્યું છે.આ ગામનો નજારો જોઇ શકાય તે માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે.પ્રતિ વ્યકિત ૩ ડોલરની ફી લેવામાં આવે છે.જો પહાડો અને પથ્થરથી ઘેરાયેલા ગામને સાવ નજીકથી નિહાળવું હોયતો ૮ ડોલર રુપિયા વસૂલવામાં આવે છે.ખાલી પડેલા ઘરના માળખાને કોઇ પણ પ્રકારનું નુકસાન ના થયા તે માટે ચેતવણી આપતા બોર્ડ લટકાવવામાં આવ્યા છે.લોકોને વેરાન બની ગયેલા ગામના ઘરની અંદર ડોકિયુ કરવામાં રોમાંચનો અનુભવ થાય છે.
રહેવાસીઓની વિવિધ વસ્તુઓ યથા સ્થિતિમાં જોઇ શકાય છે.વનસ્પતિના વિટંળાયેલા લીલા પાન જાણે કે સ્વાગત કરતા હોય તેમ જણાય છે.જયાં સુધી દ્વષ્ટી પહોંચે ત્યાં સુધી લીલોતરી જ જણાય છે. ગામની નજીકના વિસ્તારમાં રહેવા માટે હોટલ અને મોટલની પણ સગવડ ઉભી થઇ છે.શેગશાન ટાપુની બાજુમાં ગૌકી ટાપુ આવેલો છે જે સી ફૂડ માટે પ્રખ્યાત છે આથી ગૌકી જનારા પ્રવાસીઓ હૌટુવાનની પણ મુલાકાત લેવાનું પસંદ કરે છે.શાંઘાઇથી ૪૦ માઇલ દૂર આવેલા હૌટુવાનને કુદરતના ગામ તરીકે પ્રોજેકટ કરવામાં આવ્યું તેના પ્રથમ વર્ષમાં જ ૧ લાખ ડોલરની આવક થઇ હતી.