વલસાડ, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર : CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલના પરિણામમાં સુરતના 3 અને વલસાડના 1 સહિત 4 વિદ્યાર્થીઓ દેશમાં ટોપ-15માં આવ્યા છે.જેમાં વલસાડના 40 વર્ષીય સુમન સૌરભનો સમાવેશ થાય છે.તેમને બે બાળકો છે.તેઓ 11 વખત નિષ્ફળ થયા હતા અને હવે તે 12મી વખત દેશમાં ચોથા સ્થાને છે.તેમણે કહ્યુ “જીવનમાં હાર માટે માનસિક રીતે તૈયાર રહો,પરંતુ હારશો નહીં,”
એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં સુરતના સાક્ષી ગેરા અને નીતિન જૈને સમગ્ર ભારતમાં અનુક્રમે નવમું અને અગિયારમું સ્થાન મેળવ્યું હતું.જ્યારે નવા એક્ઝિક્યુટિવ સિલેબસમાં સુરતના જય મહેતાએ ઓલ ઈન્ડિયા રેન્કમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
જય મહેતાને પ્રોફેશનલના નવા સિલેબસ પ્રોગ્રામમાં 533 માર્ક્સ અને સુમન સૌરભને ઓલ્ડ પ્રોફેશનના સિલેબસ પ્રોગ્રામમાં 453 માર્ક્સ મળ્યા છે.
વલસાડના સુમનનો મોટો દીકરો એન્જિનિયરિંગમાં છે અને સૌથી નાની દીકરી 11મા ધોરણમાં છે.
સુમન સૌરભે જણાવ્યું કે હું વર્ષ 2016થી પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા આપી રહી છું.દરેક વખતે હું નિષ્ફળ ગઈ.તેથી લોકો મારા પર હસતા હતા.તેથી મેં નક્કી કર્યું કે યોગ્ય રીતે કેવી રીતે તૈયારી કરવી તે મારે કરવાની જરૂર છે.
એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં નવમા ક્રમે આવેલી સાક્ષી ગેરાએ કહ્યું કે હું દરરોજ ઘરે આવીને ક્લાસમાં ભણાવવામાં આવતુ તેનુ રિવિઝન કરતી હતી.મેં પરીક્ષાના એક મહિના પહેલા અભ્યાસ શરૂ કર્યો અને દરરોજ છ કલાક અભ્યાસ કરવાનું શરૂ કર્યું.હું જુનિયરોને તણાવ વિના અભ્યાસ કરવાનું કહીશ.