અમદાવાદ,26 ફેબ્રુઆરી,2022,શનિવાર : આજે આધુનિકતાના વાઘા પહેરીને મેગા સિટી બનેલા આર્થિક પાટનગર અમદાવાદ શહેર સ્થાપનાના 611માં વર્ષમાં પ્રવેશ કરી રહયું છે.નદીની રેતમાં રમતા આ નગરે લાખો લોકોને રોજગારી આપી છે.સ્વાતંત્ર વીરો અને દાનવીરોની કર્મભૂમિ રહયું છે.અમદાવાદનો ઇતિહાસ ફંફોસતા માલૂમ પડે છે કે મુગલ બાદશાહ જહાંગીરે અમદાવાદને ધૂળિયુંનગર કહીને ભલે ટીકા કરી હોય પરંતુ રશિયાના અતિ ક્રુર ગણાતા ઝાર વંશના અંતિમ રાજા નિકોલસ બીજાને અમદાવાદ ખૂબ જ ગમતું હતું.તેને પ્રવાસનો ખૂબ શોખ હોવાથી અમદાવાદમાં પણ આવ્યો હતો.
નિકોલસે ૧૮૯૦માં અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી
નિકોલસ જયારે રશિયાનો રાજકુંવર હતો ત્યારે ૧૮૯૦માં અમદાવાદ શહેરની મુલાકાત પણ લીધી હતી.પ્રિન્સ નિકોલસ બીજાએ અમદાવાદની બજારની પણ મુલાકાત લઇને પોતાના વોર્ડરોબમાં રાખવા માટે કપડાની પણ ખરીદેલી.રશિયાના ઝારવંશનો આ છેલ્લો રાજા ખાસ તો સીદી સઇદની જાળીની કોતરણીથી ખૂબજ પ્રભાવિત થયો હતો.આ ઉપરાંત અમદાવાદના સ્થાપત્ય કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી કળાઓથી પણ તે અભિભૂત થયો હતો.તેને ગુજરાત રાજયનો આ વિસ્તાર કળાનો ચાહક હોય તેમ જણાયું હતું
નિકોલસની સાથે રહેલા ઉખ્તોમસ્કી નામના એસ્કોર્ટે લખેલી ડાયરીમાં ઉલ્લેખ
રશિયાના આ પ્રિન્સને હરવા ફરવાનો ભારે શોખ હતો.તેની આ ભારતયાત્રા ચીન,જાપાન,ગ્રીસ અને ઇજીપ્ત જેવા દેશોમાં અમૂક મિત્રો સાથે ફરવાનું આયોજન કર્યું તેના ભાગરૃપે હતી.જો કે પહેલી વાર આ વાતનું રહસ્ય ઝારવંશના નિકોલસની સાથે રહેલા ઉખ્તોમસ્કી નામના એસ્કોર્ટે લખેલી ડાયરી માંથી જાણવા મળ્યું હતું.આ ડાયરીના લખાણમાં લખ્યું છે કે સિદી સઇદની જાળી પાસે નિકોલસે બે ત્રણ કાવ્યાત્મક લાઇનો પણ ઉચ્ચારી હતી.
નિકોલસ બીજાને 18 જુલાઇના રોજ રશિયામાં મારી નાખવામાં આવ્યો હતો
રશિયાના ઝારવંશના છેલ્લા રાજા નિકોલસ બીજાની ૧ નવેમ્બર ૧૮૯૪ના રોજ વરણી કરવામાં આવી હતી.ઝારવંશના પરંપરાગત જુલમી શાસન સામે રશિયામાં સામ્યવાદની લાલ ક્રાંતિએ જન્મ લીધો હતો. સામાજીક અને રાજકિય બદલાવે હિંસક સ્વરુપ ધારણ કરતા ૪૯ વર્ષના ઝાર રાજા નિકોલસ બીજાને ૧૮ જુલાઇ ૧૯૧૮ના રોજ મારી નાખવામાં આવ્યો હતો.આ સાથે જ રશિયામાં ૩૦૦ વર્ષના ઝારવંશના અંત અને સામ્યવાદનો ઉદય થયો હતો.