પુતિન યુક્રેન સામે યુદ્ધ જીત્યા પછી પણ હારી જશે : ઈઝરાયેલના ઈતિહાસકાર હરારી

404

લંડન, તા. ૧ : યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યાને એક સપ્તાહ થઈ ગયું છે અને રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન,રશિયન સૈનિકો ભલે યુક્રેન પર કબજો કરી લે તેમ છતાં યુદ્ધ પૂરું થતાં પહેલાં જ પુતિન આ લડાઈ હારી ગયા છે તેમ ઈઝરાયેલના પ્રખ્યાત ઈતિહાસકાર અને લેખક યુવલ નોઆ હરારીએ જણાવ્યું છે.
ઈઝરાયેલમાં રહેતા ઈતિહાસકાર,લેખક યુવલ નોઆ હરારીએ ગાર્ડિયન માટે લખેલા એક લેખમાં જણાવ્યું છે કે રશિયા સૈન્ય યુદ્ધ જીત્યા પછી પણ યુક્રેન સામેનું યુદ્ધ અંતે તો હારી જ જશે. તેમણે રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે અનેક ચોંકાવનારી વાત કરી છે.તેની પાછળ તેમના પોતાના તર્ક છે.યુવલ નોઆ હરારીએ કહ્યું છે કે યુક્રેનના સામાન્ય લોકો જે રીતે રશિયા વિરુદ્ધ લડી રહ્યા છે અને રશિયાના કબજાનો વિરોધ કરી રહ્યા છે,તેના કારણે રશિયા માટે આ દેશ પર કબજો કર્યા પછી પણ સરળતાથી તેના પર શાસન ચલાવવું શક્ય નહીં બને.પુતિન સમજી ગયા છે કે યુદ્ધ જીતવું સહેલું છે,પરંતુ યુક્રેન પર ‘કઠપુતળી શાસન’ બેસાડવું મુશ્કેલ છે.
ઈઝરાયેલના લેખકે કહ્યું કે રશિયાને જેટલું નુકસાન પહોંચ્યું છે તેનાથી યુક્રેનના લોકોની હિંમતમાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે.બીજીબાજુ યુક્રેનના જેટલા લોકોના મોત થઈ રહ્યા છે,તેનાથી રશિયા અંગે લોકોમાં નફરત પણ વધી રહી છે.રશિયન પ્રમુખ પુતિનનું રશિયાનું સામ્રાજ્ય ફરીથી બેઠું કરવાનું સપનું છે.જોકે,રશિયન સામ્રાજ્ય હંમેશા એ જુઠ્ઠાણા પર પણ ટક્યું છે કે યુક્રેન અસલી રાષ્ટ્ર નથી. યુક્રેનના લોકો પણ અસલી નથી અને કીવ,ખારકીવ,લિવિવના લોકો મોસ્કોનું શાસન ઈચ્છે છે.યુક્રેનના લોકોએ શરૂઆતમાં જ બતાવી દીધું છે કે તેઓ મોસ્કોનું શાસન નથી ઈચ્છતા.
હરારીએ ઉમેર્યું કે,હકીકત તો એ છે કે યુક્રેનનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ છે.મોસ્કો એક ગામ પણ નહોતું,ત્યારે કીવ એક મોટું શહેર હતું. પુતિને રશિયાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે તુલનાત્મકરૂપે રક્તહીન વિજય નોંધાવવાની જરૂર હતી,પરંતુ યુદ્ધ જે રીતે આગળ વધી રહ્યું છે,ઘણા મોટા પ્રમાણમાં વિનાશ વેરાયો છે તે જોતાં યુદ્ધ લાંબું ખેંચાઈ શકે છે.આ યુદ્ધ જેટલું લાંબુ ચાલશે તેટલી જ રશિયા વિરુદ્ધ લોકોની નફરત વધશે.

Share Now