રશિયાએ ભારે કિંમત ચુકવવી પડશેઃ પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં બાઈડન

449

નવી દિલ્હી, તા. 02 માર્ચ, 2022, બુધવાર : અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન પરના હુમલાને લઈ રશિયાને આકરી ચેતવણી આપી હતી.તેમણએ સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ (State Of The Union Adress)ની શરૂઆત જ યુક્રેન-રશિયા યુદ્ધથી કરી હતી.અમેરિકી સંસદમાં આપવામાં આવેલા પોતાના ભાષણમાં બાઈડને યુક્રેનની જનતાને પણ સંદેશો આપ્યો અને કહ્યું કે,રશિયાએ 6 દિવસ પહેલા ખૂબ ખરાબ પગલું ભર્યું.અમેરિકામાં ઘણાં લાંબા સમયથી આ પરંપરા ચાલે છે જેમાં રાષ્ટ્રપતિ દેશવાસીઓને દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના વિઝનથી રૂબરૂ કરાવે છે.અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ આ બાઈડનનું પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન ભાષણ હતું.ભાષણ પહેલા અમેરિકી સાંસદોને યુક્રેનનો ઝંડો આપવામાં આવ્યો હતો.

પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામે ‘પૂર્વ નિયોજિત અને અકારણ’ યુદ્ધ છેડવાનો આરોપ લગાવતા રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.

પોતાના સંબોધનમાં બાઈડને કહ્યું કે,’આપણા સમગ્ર ઈતિહાસમાંથી આપણે એ પાઠ ભણ્યા છીએ કે,જ્યારે તાનાશાહ પોતાની આક્રમકતાની કિંમત નથી ચુકવતા ત્યારે તેઓ વધુ અરાજકતા પેદા કરે છે.તેઓ આગળ વધતા રહે છે.તથા અમેરિકા અને વિશ્વ માટે જોખમ વધતું રહે છે અને તેમણે વધુ કિંમત ચુકવવી પડે છે.’

તેમણે પુતિન પર આકરો પ્રહાર કરતા કહ્યું કે,’આ કારણે જ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં શાંતિ અને સ્થિરતાને સુરક્ષિત કરવા માટે નાટો ગઠબંધન કરવામાં આવ્યું હતું.સંયુક્ત રાજ્ય અમેરિકા 29 અન્ય દેશો સાથે એક સદસ્ય છે.એ મહત્વ ધરાવે છે.અમેરિકી કૂટનીતિ અગત્યતા ધરાવે છે.’

બાઈડને કહ્યું કે, ‘પુતિનનું યુદ્ધ પૂર્વનિયોજિત અને અકારણ હતું.તેમણે કૂટનીતિના પ્રયત્નોને નકારી દીધા.તેમણે વિચાર્યું કે,પશ્ચિમ અને નાટો જવાબ નહીં આપે.અને તેમણે વિચાર્યું કે,તેઓ આપણને અહીં ઘરે વિભાજિત કરી શકે છે.પુતિન ખોટા હતા. આપણે તૈયાર હતા.’

તેમણે કહ્યું કે, ‘અમેરિકા યુક્રેન સાથે ઉભું છે.અમેરિકા અને આપણા સહયોગી સામૂહિક શક્તિ સાથે નાટો ક્ષેત્રના દરેક ઈંચની રક્ષા કરીશું.યુક્રેનિયન સાહસ સાથે લડી રહ્યા છે.પુતિનને યુદ્ધના મેદાનમાં લાભ થઈ શકે છે પરંતુ તેમણે ઘણાં લાંબા સમય સુધી આની કિંમત ચુકવવી પડશે.’

પોતાના સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં બાઈડને ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય એમ બંને મોરચે રાષ્ટ્ર સામે આવનારા કેટલાક પ્રમુખ પડકારો માટે વર્ષ જૂના પ્રશાસનની કેટલીક પ્રમુખ સફળતાઓ અને તેના નીતિગત દૃષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો હતો.

Share Now