રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ

160

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : યુક્રેનમાં ફસાયેલા છાત્રોને મળવા માટે અને તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા ગયા છે.

કારણકે યુક્રેનથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમને ઉતારો અપાયો છે.દરમિયાન સિંધિયાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં રોમાનિયાના એક શહેરના મેયર અને સિંધિયા વચ્ચે તડાફડી થઈ હોવાનુ દેખાય છે.

સોશિયલ મીડિયા પર ફરી રહેલા વિડિયોમાં દેખાય છે કે,રોમાનિયાના એક કેમ્પમાં પહોંચેલા સિંધિયા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી રહ્યા હતા ત્યારે મેયરે તેમને ટોકયા હતા.સાથે સાથે તેમણે સિંધિયાને પૂછ્યુ હતુ કે,તમે અહીંથી ક્યારે જઈ રહ્યા છો…અમે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે.એ પછી સિંધિયા કહે છે કે,મને બધી ખબર પપડી રહી છે અને તેઓ મેયરથી અલગ થઈ જાય છે.

એ પછી સિંધિયા વિદ્યાર્થીઓની પાસે જઈને કહે છે કે,અમારો પ્લાન છે કે,અમે દરેક કેમ્પમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને કાઢીને લઈ જઈશું અને આ માટે રોમાનિયા સરકારનો ધન્યવાદ.

કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ આ વિડિયોને લઈને કહ્યુ છે કે,જુમલા અને વાયદા ભારતમાં કામ કરે છે પણ વિદેશની ધરતી પર નહીં.રોમાનિયાના મેયરે સિંધિયાને પાઠ ભણાવીને કહ્યુ હતુ કે,તમે અહીંથી ક્યારે જાવ છો..કારણકે વિદ્યાર્થીઓને રહેવાની જગ્યા અને ભોજન અમે આપી રહ્યા છે.

Share Now