નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ આઠમા દિવસમાં પ્રવેશી ગયો છે.જોકે અમેરિકાના બે સ્પેસ એન્જિનિયર એવા છે જેમને યુધ્ધ શરુ થયુ તે અંગે કોઈ જાણકારી જ નથી.કારણકે તેઓ મોસ્કોમાં આવેલી એક કેપ્સ્યુલમાં બંધ છે.
નાસાના આઠ મહિના ચાલનારા એક એક્સપરિમેન્ટના ભાગરુપે તેઓ રશિયા ગયા છે.આ પ્રયોગ કરવા પાછળોનો હેતુ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં કયા પ્રકારનો અનુભવ કરે છે તે જાણવાનો છે.
આ માટે બે અમેરિકન સ્પેસ એન્જિનિયર સહિત 6 લોકો મોસ્કોમાં એક કેપ્સ્યુલમાં બંધ છે.આ બંને અમેરિકન વિલિયમ બ્રાઉન અને એશલે કોવાલ્સ્કી સિવાય 3 રશિયન અને એક યુએઈ નાગરિક પણ કેપ્સ્યુલમાં છે
તેઓ નવેમ્બર મહિનામાં તેમાં પ્રવેશ્યા હતા અને જુલાઈ મહિના સુધી તેમાં જ રહેવાના છે.તેઓ બહારની દુનિયા સાથે માત્ર ઈલેક્ટ્રોનિક લેટર્સ દ્વારા જ સંપર્કમાં રહી શકે છે.આ લેટર્સ એક સુરક્ષિત સર્વર પર અપલોડ કરવામાં આવે છે.
જોકે અમેરિકન એન્જિનિયર બ્રાઉનના એક સાથીનુ કહેવુ છે કે,બ્રાઉનને આ યુધ્ધ શરુ થયુ છે તે અંગે જાણકારી હોવા અંગે શંકા છે.નાસા પણ આ મામલે મૌન છે અને યુધ્ધની સ્થિતિમાં એક્સપરિમેન્ટ ચાલુ રહેશે કે બંધ તે પણ નાસાએ હજી કહ્યુ નથી.
રશિયા માટે અમેરિકાએ પોતાની એરસ્પેસ પણ બંધ કરી દીધી છે.જો હવે પુતિન તેના જવાબમાં રશિયાની એરસ્પેસ બંધ કરશે તો મોસ્કો છોડવા માંગતા અમેરિકન નાગરિકો અટવાશે.