– ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં રૂ. 328 કરોડની રોકડ, દારૂ અને ડ્રગ્સ જપ્ત સાત માર્ચે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન : 10 માર્ચે પરિણામ
– જ્યારે ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં કુલ રૂ. 1039 કરોડની રોકડ,દારૂ અને ડ્રગ્સ પકડાયું મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજયકુમારનું ભાવિ ઇવીએમમાં સીલ
લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ આજે 55 ટકા મતદાન થયું હતું. દસ જિલ્લાની 57 બેઠકો માટે આજે થયેમલા મતદાનમાં કુલ 676 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયું છે.
જે અગ્રણી નેતાઓનું ભાવિ આજે ઇવીએમમાં સીલ થયું છે તેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કોંગ્રેસ પ્રમુખ અજય કુમારનો સમાવેશ થાય છે.યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર અને અજયકુમાર તમકુહી રાજ બેઠક પરથી ઉભા રહ્યાં છે.
આજે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો હતો.છઠ્ઠા તબક્કામાં કુલ મતદારોની સંખ્યા 2.15 કરોડ હતી. હવે સાતમા અને અંતિમ તબક્કા હેઠળ 54 બેઠકો પર સાત માર્ચના રોજ મતદાન થશે.
ત્યારબાદ 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ,પંજાબ,ઉત્તરાખંડ,ગોવા અને મણિપુર એમ કુલ પાંચ રાજ્યોની તમામ બેઠકોની મતગણતરી કરવામાં આવશે.આજે ઉત્તર પ્રદેશમાં જે 57 બેઠકો પર મતદાન થયું છે તે પૈકી ભાજપે 2017માં 46 બેઠક જીતી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજનું મતદાન શાંતિથી પૂર્ણ થયું હતું.આજે સવારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ,બેઝિક શિક્ષણ પ્રધાન સતિષ દ્વિવેદી,વિરોધ પક્ષના નેતા રામ ગોવિંદ ચૌધરી, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભાર,પ્રધાન ઉપેન્દ્ર તિવારી અને પૂર્વ પ્રધાન નારદ રાવ સહિતના અગ્રણી નેતાઓએ પણ પોતાના મતાિધકારનો ઉપયોગ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ સામે પૂર્વ ભાજપ નેતા સ્વર્ગસૃથ ઉપેન્દ્ર દત્ત શુક્લાના પત્નીને ઉભા રાખ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે આઠ જાન્યુઆરીએ જ્યારે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં કુલ 328 કરોડ રૂપિયાની રોકડ,દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
જો ચૂંટણીવાળા પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,મણિપુર,ગોવા અને પંજાબના કુલ આંકડા પર નજર કરીએ તો આ પાંચ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં કુલ 1039 કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.