સરકાર તેનું કામ કરે છે, પુતિનને યુદ્ધ રોકવા આદેશ ન આપી શકીએ : સુપ્રીમ

159

નવી દિલ્હી, તા. ૩ : રશિયા અને યુક્રેનના યુદ્ધનો ગુરુવારે આઠમો દિવસ છે.યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીયોને સ્વદેશ લાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા એક વકીલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.તેમણે રોમાનીયામાંથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવા કેન્દ્રને નિર્દેશ કરવા અરજી કરી હતી.
આ અરજીની સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમણના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું કે ભારત સરકાર ભારતીયોને લાવવાનું કામ કરી રહી છે.મુખ્ય ન્યાયાધીશ રમણે કહ્યું કે,અમને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે,પરંતુ શું અમે રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ રોકવાનો નિર્દેશ આપી શકીએ છીએ? જોકે,મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણ,ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બેન્ચે એક વીકલની અરજી પર સુનાવણી કરી હતી.સુનાવણીમાં વકીલે કહ્યું હતું કે,રોમાનિયાની સરહદ પર હાડ થીજાવતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે અને સરકાર રોમાનિયાથી ફ્લાઈટ્સનું સંચાલન નથી કરી રહી.
વકીલે બેન્ચને જણાવ્યું કે,કેન્દ્ર સરકાર પોલેન્ડ અને હંગેરીમાંથી ફ્લાઈટ્સ ચલાવી રહી છે.રોમાનિયાથી નહીં. જ્યારે રોમાનિયાની સરહદે મોટી સંખ્યામાં છોકરીઓ સહિત વિદ્યાર્થીઓ કોઈપણ સુવિધા વિના ફસાયેલા છે. આ અંગે બેન્ચે કહ્યું કે,અમને બધાને તેમના પ્રત્યે સહાનુભૂતિ છે.પરંતુ તેમાં અદાલત શું કરી શકે છે? જોકે,આ સાથે બેન્ચે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને રોમાનિયાની સરહદ પાસે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નિકાળવામાં મદદ કરવા જણાવ્યું હતું.
ઓપરેશન ગંગા હેઠળ ગુરુવારે ૩,૭૨૬ ભારતીયોને યુક્રેનથી પાછા લવાયા છે તેમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે બુખારેસ્ટથી ૮ ફ્લાઈટ,સુસેવાથી ૨ ફ્લાઈટ, કોસિસેથી ૧ ફ્લાઈટ,બુડાપેસ્ટથી ૫ ફ્લાઈટ અને રેજજોથી ૩ ફ્લાઈટ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પાછા લાવશે.

Share Now