ઓટ્ટાવા, તા.૩ : કેનેડામાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા બિલ અંગે ભારતીયોનો વિરોધ સફળ થયો છે.અંતે કેનેડાના સાંસદ ઝૂક્યા છે અને સ્વસ્તિકને નાઝી પ્રતિક ગણાવી પ્રતિબંધ મૂકવાની માગણી કરતા સૂચિત બિલની ભાષામાં ફેરફાર કરવા સંમત થયા છે.આ બિલમાં નાઝિ પ્રતિકને સ્વસ્તિકના બદલે હૂક્ડ ક્રોસ કહેવાશે.
સ્વસ્તિક હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક છે.એવામાં કેનેડામાં એક બિલમાં આખા દેશમાં સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી.આ બિલમાં જર્મન નાઝીઓના પ્રતિક હુક્ડ ક્રોસના બદલે સ્વસ્તિક શબ્દનો ઉપયોગ કરાતા ભારતીય સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.આ બિલ સામે હિન્દુ ફેડરેશન સંગઠને દેખાવો કર્યા હતા.
સ્વસ્તિક મુદ્દે આખા કેનેડામાં ભારતીયોના ભારે વિરોધ પછી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પીટર જુલિયને કહ્યું, હું સૂચિત બિલ સી-૨૨૯ની ભાષામાં ફેરફાર કરવા તૈયાર છું.બિલમાં સ્વસ્તિકની જગ્યાએ હવે હું હુક્ડ ક્રોસ શબ્દનો ઉપયોગ કરીશ.નાઝીઓ પણ તેને હૂક્ડ ક્રોસ જ ગણાવતા હતા.આ પ્રાઈવેટ મેમ્બર બિલને એનડીપીના નેતા જગમીત સિંહનું પણ સમર્થન મળ્યું છે.આ બિલમાં દરખાસ્ત કરાઈ હતી કે કેનેડામાં નાઝી પ્રતિક સ્વસ્તિક ચિહ્નના વેચાણ અને તેના દેખાવો પર પ્રતિબંધ મૂકાશે.તાજેતરમાં કેનેડાની રાજધાની ઓટાવામાં થયેલા ટ્રક આંદોલનમાં નાઝીઓના પ્રતિકનો ઉપયોગ કરાયો હતો.ત્યાર પછી આ બિલ તૈયાર થયું હતું.
આ બિલના સમર્થનમાં જગમીત સિંહે ટ્વીટ કરી હતી કે,સ્વસ્તિક અથવા કનફેડરેટના ઝંડાનું કેનેડામાં કોઈ સ્થાન નથી.આપણા ઉપર એ જવાબદારી છે કે આપણે બધાને સલામતીનો અનુભવ કરાવીએ.આ સમય છે કેનેડામાં હેટ સિમ્બોલ્સ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. તેમણે હિન્દુ ધર્મના પ્રતિક સ્વસ્તિકને નાઝી પ્રતિક સાથે સરખાવતા ભારતીયોમાં ભારે રોષ ફેલાયો હતો.હિન્દુ ફેડરેશનના નેતા પંડિત રૂપનાથ શર્માએ લખ્યું કે,સ્વસ્તિકનું હિન્દુ,બૌદ્ધ અને જૈન ધર્મમાં મહત્વનું સ્થાન છે.અમે બિલમાં સ્વસ્તિક ચિહ્નના ધાર્મિક,શૈક્ષણિક અને ઐતિહાસિક ઉપયોગ પર કોઈપણ પ્રતિબંધની માગ નથી કરતા.તેમણે દાવો કર્યો હતો કે જર્મન નાઝીઓનું હૂક્ડ ક્રોસ પ્રતિક અલગ છે.એવામાં તેને સ્વસ્તિક ચિહ્ન કહેવું ખોટું છે.