રાજકોટ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર : કોરોના મહામારી દરમિયાન અભિનેતા સોનુ સુદે પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચવા માટે ખૂબ જ મદદ કરી હતી અને એક મસીહા તરીકે ઉભરી આવ્યો હતો.ત્યારે હવે સોનુ સુદ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે પણ આગળ આવ્યો છે.સોનુએ પોલેન્ડથી આવેલી રાજકોટની યુવતી ક્રાંજ ગોસાઈ સાથે વીડિયો કોલના માધ્યમથી વાતચીત પણ કરી હતી.
સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેન સરહદે ફસાયેલા છે.ક્રાંજ ગોસાઈ પોલેન્ડની બોર્ડર પર પહોંચનારી પ્રથમ ભારતીય હતી.ગત રાત્રિએ રાજકોટ પરત આવ્યા બાદ તેણે ત્યાંની ભયાનક સ્થિતિ વર્ણવી હતી.
તેણે જણાવ્યું કે,પોલેન્ડ બોર્ડર પાસ કરાવવા દરમિયાન યુક્રેનના સૈનિકોએ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી અને સામાન પણ ફેંક્યો હતો.સૈનિકોએ વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ અમાનવીય વ્યવહાર કર્યો હતો.વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવેલા સોનુ સુદે યુક્રેનથી દિલ્હી અને દિલ્હીથી પોતાના શહેર સુધી જવા ફ્લાઈટની ટિકિટ બુક કરાવી આપવાની ઓફર કરી હતી.
સોનુ સુદ સતત મદદ માટે અપડેટ પણ મેળવતો રહેતો હતો તે નીચેના ફોટો પરથી જોઈ શકાય છે.યુક્રેન પરના હુમલા દરમિયાન ગુજરાતમાં અમરેલી જિલ્લાના 21 વિદ્યાર્થીઓ યુક્રેન છે જેમાંથી માત્ર 2 પરત આવી ગયા હોવાનું જાણવા મળે છે.