– મોદી, સ્મૃતિ,રાહુલ,પ્રિયંકાએ કાશી વિશ્વનાથના દર્શન કર્યા
– મણીપુરમાં આજે અંતિમ બીજા તબક્કાનું મતદાન, 22 બેઠકો પર પૂર્વ મુખ્યમંત્રી ઇબોબીસિંહ સહિત 92 ઉમેદવારો મેદાનમાં
વારાણસી : ઉત્તર પ્રદેશમાં મતદાન પૂર્ણ થવા આવ્યું છે.હવે માત્ર સાતમા તબક્કાનું જ મતદાન બાકી છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.દરમિયાન ચૂંટણી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો સાથે જ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજાપાઠ કર્યા હતા.
મોદીએ આ રોડ શોમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ કહ્યું હતું કે પુરી દુનિયા હાલ એકદમ નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહી છે.અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન સાતમી માર્ચે યોજાશે, જે માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ કહ્યું હતું કે પુરી દુનિયા હાલ આ સદીના અત્યંત નાજૂક સમયમાંથી પસાર થઇ રહી છે.
અનેક દેશો આજે મહામારી,અશાંતિ અને અનિશ્ચિતતાની સિૃથતિનો સામનો કરી રહ્યા છે.જોકે તમે જોઇ રહ્યા છો કે સંકટ ગમે તેટલુ મોટુ કેમ ન હોય તેની સામે ભારતના પ્રયાસો ઘણા વધુ છે.અમે ઓપરેશન ગંગા દ્વારા યુક્રેનમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને સુરક્ષીત બહાર કાઢ્યા છે.
નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કાશી વિશ્વનાથ મંદિરના દર્શન અને પૂજાપાઠ કર્યા હતા.તેઓ વારાણસીમાં કોંગ્રેસના ઉમેદવારો માટે રોડ શો પણ યોજશે તેમ કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આ પહેલા ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ પણ કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
જ્યારે સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો.મુલાયમે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાલ બેરોજગારીનો મુદ્દો સૌથી વધુ સમાજવાદી પાર્ટી જ ઉઠાવી રહી છે.જૌનપુરમાં રેલીને સંબોધતા મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ હંમેશા ગરીબો,યુવાઓ અને સમાજના વંચિત લોકો માટે કામ કર્યું છે.
મણીપુરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે.મણીપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે બીજા તબક્કામાં છ જિલ્લાઓમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં કુલ 22 બેઠકોનો સમાવેશ કરાયો છે જેમાં 92 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.શનિવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે જેમાં મણીપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓ ઇબોબીસિંહ સહિત 92 ઉમેદવારો મેદાનમાં છે.