નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : મોહાલી ખાતે ભારત અને શ્રી લંકા વચ્ચે ચાલી રહેલા પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પોતાની કારકિર્દીની બીજી સદી ફટકારી હતી અને હજુ તે 152 રન સાથે દાવમાં છે.જાડેજાની 214 દડામાં 16 ચોક્કા અને બે છગ્ગા સાથેની આ ઇનિંગ્સના કારણે ભારતે 527 રનનો જંગી સ્કોર કર્યો છે.જાડેજાને રવિચંદ્રન અશ્વિન (61 રન)નો સાથ પોતાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો હાઈએસ્ટ સ્કોર કરવામાં સાથ મળ્યો હતો.ગઈકાલે રમત બંધ રહી ત્યારે જાડેજા 45 અને અશ્વિન 10 રને અણનમ હતા.
ભારત માટે એક શ્રેષ્ઠ ઓલ રાઉંન્ડર તરીકે પોતાની ભૂમિકા મહત્વની હોવાનું ફરી એકવાર 33 વર્ષીય જાડેજાએ સાબિત કરી બતાવ્યું છે.
આગલા દિવસે રમત બંધ રહી ત્યારે રિષભ પંતની વન ડે સ્ટાઈલની 4 છગ્ગા અને 9 ચોગ્ગા સાથેની 97 બોલમાં 96 રનની વિસ્ફોટક ઈનિંગ તેમજ વિહારીના 58 રનની મદદથી ભારતે 6 વિકેટે 357 રન કર્યા હતા.વિરાટ કોહલી કારકિર્દીની 100મી ટેસ્ટમાં પાંચ રન માટે અડધી સદી ચૂક્યો હતો. જ્યારે કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં રોહિત પણ પ્રભાવ પાડી શક્યો નહતો અને 29 રને આઉટ થયો હતો.
શ્રીલંકાના લેફ્ટ આર્મ સ્પિનર એમ્બુલ્ડેનિયાએ અગ્રવાલ (33)ને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો.જે પછી તેણે કોહલી (45)ને ક્લિન બોલ્ડ કર્યો હતો.જ્યારે લકમલ,વિશ્વા ફર્નાન્ડો,કુમારા અને ધનંજયા ડિ સિલ્વાએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને બેટીંગ પસંદ કરનારા ભારતે શ્રીલંકાના સરેરાશ લાગતાં બોલિંગ આક્રમણ પર પ્રભુત્વ જમાવ્યું હતુ.ભારત ત્રણ સ્પિનરો સાથે ઉતર્યું હતુ,જ્યારે શ્રીલંકાએ ત્રણ ફાસ્ટરોને ટીમમાં સામેલ કર્યા હતા.