પેશાવર, તા. 05 માર્ચ, 2022, શનિવાર : શુક્રવારે પાકિસ્તાનના પેશાવર ખાતે શિયા મુસ્લિમોની મસ્જિદમાં એક ભીષણ આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 56થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે 200થી વધુ ઘવાયા હતા.ઈસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે.ઈસ્લામિક સ્ટેટના નિવેદન પ્રમાણે અફઘાની આત્મઘાતી બોમ્બરે મસ્જિદમાં આ વિસ્ફોટ કર્યો હતો.
આ હુમલો અફઘાનિસ્તાનની સરહદે આવેલા પેશાવર શહેરમાં હાલના સમયનો સૌથી લોહીયાળ હુમલો માનવામાં આવે છે.
શિયા મુસ્લિમોને શુક્રવારની નમાઝ દરમિયાન ટાર્ગેટ કરીને આ હુમલો થયો હતો.પોલીસના જણાવ્યા અનુસાર પેશાવરના કિસ્સા ખવાણી બાઝાર વિસ્તારમાં આવેલી જામિયા મસ્જિદને ટાર્ગેટ કરીને આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન પેશાવરના એસએસપી હરૂન રશીદ ખાને કહ્યું હતું કે,આ એક આત્મઘાતી વિસ્ફોટ હતો.બે હુમલા થયા હતા તેમાં માત્ર એક જ આત્મઘાતી હુમલાવર હતો.
પેશાવરમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં નમાઝ વખતે આત્મઘાતી વિસ્ફોટ,56નાં મોત
વિસ્ફોટ બાદ હોસ્પિટલમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને જે ડોક્ટરો રજા પર હતા તેમને પરત બોલાવી લેવામાં આવ્યા હતા.પોલીસના કહેવા પ્રમાણે બે હુમલાખોરોએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન સુરક્ષાકર્મીઓની સાથે ગોળીબાર થયો હતો.તેમાં એક પોલીસ ઓફિસરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બીજો ઓફિસર ઘવાયો હતો.
પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાને આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને દાવો કર્યો હતો કે,હુમલાખોરોને આકરી સજા કરાશે જ્યારે પીડિતોને ન્યાય અપાશે.તેમણે પેશાવરના મુખ્યમંત્રીની સાથે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી અને હુમલાની જાણકારી મેળવી હતી.