ઈલેક્શન ડ્યૂટી પર આવેલા CRPF જવાને પોતાને જ મારી ગોળી

171

નવી દિલ્હી, તા. 05 માર્ચ, 2022, શનિવાર : પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે ફરજ પર આવેલા સીઆરપીએફ જવાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તાત્કાલિક સીઆરપીએફ અને ચકિયા કોતવાલીની પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે,મૃતક કેરળનો રહેવાસી હતો.

પોલીસની માહિતી અનુસાર જવાનના મોત બાદ તેની બટાલિયન અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે.આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ નથી મળી. તમને જણાવી દઈએ કે,CRPFની A/8 ઓરિસ્સા બટાલિયન કંપનીને ચકિયા કોતવાલી વિસ્તારના સિકંદરપુરની એક કોલેજમાં તૈનાત કરવામાં આવી છે.

ઘટના સમયે તમામ જવાન બેરેકમાં સૂતા હતા

કંપની પર વિધાનસભા ચૂંટણી કરાવવાની જવાબદારી છે.આ જ કંપની સાથે સીઆરપીએફમાં તૈનાત કેરળના કૂન્નૂર જિલ્લાના 38 વર્ષીય વિપિન દાસ પણ આવ્યા હતા.મોડી રાત્રે જમ્યા બાદ તમામ સૈનિકો બેરેકમાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ફાયરિંગના અવાજથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.તાત્કાલિક લોકો ટેરેસ પર પહોંચ્યા તો તેમણે જોયું કે,વિપિન લોહીલુહાણ હાલતમાં પડેલો હતો.તેઓએ તાત્કાલિક તેની સૂચના ચંદોલી પોલીસને આપી હતી.

CRPF અને ચંદોલી પોલીસ તપાસ કરી રહી છે

બીજી તરફ ચંદોલીના એડિશનલ એસપી ઓપરેશન સુખરામ ભારતીએ જણાવ્યું કે,આ પૂરા કેસની તપાસ સીઆરપીએફ અને ચંદોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.CRPF જવાનના મોબાઈલની પણ શોધ કરવામાં આવી રહી છે જેથી કરીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.

Share Now