કોલકાતા, તા. 07 માર્ચ, 2022, સોમવાર : પશ્ચિમ બંગાળમાં આજથી એટલે કે,7મી માર્ચથી રાજ્ય બોર્ડ 10મા ધોરણની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે.આ પરીક્ષાઓમાં 6,21,931 વિદ્યાર્થીનીઓ અને 4,96,890 વિદ્યાર્થીઓ હિસ્સો લઈ રહ્યા છે.જોકે આ વખતે આ પરીક્ષા એટલા માટે ચર્ચામાં છે કારણ કે,રાજ્ય સરકારે આ પરીક્ષાઓ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી.
સત્તાવાર આદેશ દ્વારા કોઈ પણ પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ બંધ કરવાનો આ દેશનો આવા પ્રકારનો પ્રથમ બનાવ છે.ત્યારે સરકારને આ પગલું ભરવાની જરૂર શા માટે પડી તેવો સવાલ થઈ રહ્યો છે.
શું છે સરકારનો આદેશ
રાજ્ય સરકારના આદેશ પ્રમાણે ‘માર્ચની 7, 8, 9, 11, 12, 14 અને 16 તારીખો દરમિયાન ઈન્ટરનેટ બંધ રહેશે.ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેવાની અવધિ સવારના 11:00 વાગ્યાથી બપોરના 3:15 વાગ્યા સુધીની રહેશે.’ સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે,ભારતનું બંધારણ ભારતીય નાગરિકો માટે અભિવ્યક્તિની આઝાદીની જોગવાઈ કરે છે.પરંતુ સાથે જ સરકારોને જરૂર પડે ત્યારે કેટલાક પ્રતિબંધિત પગલા ભરવાની આઝાદી પણ આપે છે.તે ભાવનાને અનુરૂપ સરકારે નિશ્ચિત તારીખોમાં,નિશ્ચિત અવધિ માટે કામચલાઉ રીતે ઈન્ટરનેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,ફોન કોલ,મેસેજ સેવાઓની સાથે જ અખબારોનો પ્રસાર પણ પહેલાની માફક ચાલુ રહેશે.માટે એવું ન માનવું જોઈએ કે,સૂચના-સંચાર કે પ્રસાર પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કે તેને બાધિત કરવામાં આવ્યું છે.
ઈન્ટરનેટ બંધ કરવા પાછળનું કારણ
આદેશમાં સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.તે પ્રમાણે એવી ગુપ્ત સૂચનાઓ મળી છે કે,પરીક્ષાઓ દરમિયાન ઈન્ટરનેટ સેવા અને ઈન્ટરનેટ ટેલિફોન સેવાનો ઉપયોગ ગેરકાયદેસર ગતિવિધિઓમાં કરવામાં આવે છે.કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આ જોખમ વધારે છે.આવી સૂચનાઓ સરકારને આ પ્રકારના નિર્ણય લેવાનો આધાર આપે છે.પરીક્ષાઓમાં કોઈ અડચણ ન સર્જાય,કાયદેસર રીતે આ કામમાં જોડાયેલા લોકોને કોઈ ઈજા ન પહોંચે,સાર્વજનિક શાંતિ-વ્યવસ્થા ભંગ ન થાય તે માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ બની છે પેપર લીકની ઘટના
પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષા મંડળ (WBBSE)એ 2021માં કોરોના મહામારીના કારણે 10મા,12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. પરંતુ 2020માં 10મા ધોરણની પરીક્ષા શરૂ થઈ તે સાથે જ કેટલાક પ્રશ્ન પત્રોની તસવીરો વ્હોટ્સએપ પર પ્રસારીત થઈ હતી.જોકે બાદમાં બોર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે,પેપર લીક નથી થયું. એ જ રીતે 2019માં પણ બંગાળી ભાષા,મેથ્સ,અંગ્રેજી,લાઈફ સાયન્સના પેપર વ્હોટ્સએપ પર લીક થયા હતા.તે સમયે બોર્ડ (WBBSE)એ એવી સ્પષ્ટતા કરવી પડી હતી કે,લીક થયા છે તે પ્રશ્નપત્રો પરીક્ષા દરમિયાન આપવામાં આવ્યા તે નથી.
રાજસ્થાનમાં પરીક્ષા દરમિયાન ઈન્ટરનેટ બંદ
અગાઉ 2021માં રાજસ્થાન પ્રશાસનિક સેવા (RAS)ની પ્રારંભિક પરીક્ષા દરમિયાન સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.જયપુરમાં તો થોડા સમય માટે મેસેજ અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જોકે તે કવાયત કોઈ સત્તાવાર આદેશ દ્વારા નહોતી થઈ.મતલબ પશ્ચિમ બંગાળ પહેલું એવું રાજ્ય છે જ્યાં પરીક્ષા દરમિયાન ઔપચારિક અધિકારીક આદેશ દ્વારા ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.