મ.પ્ર.માં ઓનલાઇન શિક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓને રૂ. ૩૫૧ કરોડના યુનિફોર્મની વહેંચણીનો દાવો

437

(પીટીઆઇ) ભોપાલ, તા. ૮ : મધ્ય પ્રદેશ સરકારે કોરોના મહામારીમાં શાળાઓ બંધ રહેવા દરમિયાન વિદ્યાર્થીઓને૩૫૧ કરોડ રૃપિયાના યુનિફોર્મની વહેંચણી કરી છે તેમ રાજ્યના શિક્ષણ પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યના ૫૦ જિલ્લાઓમાં ૧.૧૭ કરોડ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ શાળા શિક્ષણ પ્રધાન ઇન્દર સિંહ પરમારે એક નિવેદનમાં જણાવ્યું છે.જો કે મંદોસર અને રતલામ જિલ્લા માટેના આંકડા ઉપલબ્ધ નથી.

કોંગ્રેસના ધારાસભ્ય પંચીલાલ મેડા કોરોના મહામારીમાં જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે બાળકો ઘરે ભણી રહ્યાં હતાં ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતાં તે અંગેની વિગતોે માગી હતી.

કોંગ્રેસના ધારાસભ્યે યુનિફોર્મની વહેંચણીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ મૂક્યો છે અને આ સંબધમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગ કરી છે.

પોતાના જવાબમાં રાજ્યના શાળા શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે ‘રેડિયો સ્કૂલ’ અને ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘હમારા ઘર હમારા વિદ્યાલય’ કાર્યક્રમ હેઠળ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું.

પરમારે વધુમાં જણાવ્યું હતું કે સેલ્ફ હેલ્પ ગુ્રપ્સ(એસએચજી) દ્વારા આ યુનિફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સહયોગથી વિતરણ પણ કરવાાં આવ્યું હતું.

ઉચ્ચ સ્તરીય તપાસની માગ ફગાવી દેતા શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આ સંદર્ભમાં કોઇ પણ ફરિયાદનો નિકાલ એસએચજી પર અંકુશ ધરાવતા વિભાગ દ્વારા કરવામાં આવશે.

Share Now