તા. 09 માર્ચ 2022, બુધવાર : ભારતીય શેરબજારમાં બુધવારે પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે.સામાન્ય શરૂઆત બાદ નેગેટીવ-પોઝીટીવ ઝોનમાં ઝોલા ખઈને અંતે 12 વાગ્યાના સુમારે ઈન્ડેકસ અંદાજે 1% આસપાસની તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે.રિલાયન્સની આગેવાનીમાં આઈટી શેરો અને HDFC બંધુઓના જોરે બેંચમાર્ક ઈન્ડાયસિસ ઉંચકાયા છે.
સેન્સેકસ 505 અંકોના ઉછાળે 53,930ના સ્તરે અને નિફટી 50 ઈન્ડેકસ 135 અંકોના ઉછાળે 16,150ના લેવલે કામકાજ કરી રહ્યાં છે.આજનો ટોપ ગેનર અને હેવીવેઈટ ગેનર રિલાયન્સ જ છે.રિલાયન્સ 3.23%, ટેક મહિન્દ્રા 2.76% અને ડો રેડ્ડી 2.18% સાથે સૌથી વધુ ઉંચકાયા છે.
સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 23 શેર તેજી સાથે તો 7 શેર ઘટાડા સાથે કામકાજ કરી રહ્યાં છે.પાવર ગ્રિડ અને એનટીપીસી 2%ના ઘટાડે આજના ટોપ લુઝર્સ છે.
બ્રોડર માર્કેટની વાત કરીએ તો આજના સત્રમાં 2408 શેર વધીને તો 726 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે.313 શેરમાં આજના સત્રમાં અપર સર્કિટ છે અને 122 શેરમાં લોઅર સર્કિટ છે.59 શેરમાં 52 સપ્તાહનો હાઈ અને 18 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળ્યું છે.
બેંચમાર્ક કરતા બ્રોડરમાં આજે વધુ તેજી છે.બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેકસ 1.23% અને સ્મોલકેપ ઈન્ડેકસ 1.43% ઉંચકાયા છે.