– ઉત્તર પ્રદેશમાં ભાજપને 240થી વધુ,સપાને 142 જ્યારે પંજાબમાં આપને 63થી વધુ બેઠકોનું અનુમાન હતું
નવી દિલ્હી : દર વખતે એક્ઝિટ પોલ જુઠા સાબિત થાય છે.જોકે પંજાબ, ઉત્તર પ્રદેશ અને અન્ય ત્રણ રાજ્યોના ચૂંટણી પરીણામો અને તે પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ બન્નેના આંકડા મેળ ખાઇ રહ્યા છે. એટલે કે આ વખતની ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થયા છે.
ચૂંટણી પરીણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં દાવો કરાયો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી સત્તા પર આવશે જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.જે ચૂંટણી પરીણામો સામે આવ્યા છે તેમાં પંજાબમાં આમ આદમી પાર્ટી જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તા પર આવી ગયા છે.
મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને 240થી વધુ બેઠકો મળવાનું અનુમાન હતું.જ્યારે સમાજવાદી પાર્ટીને 142 જેટલી બેઠકો મળવાનો દાવો કરાયો હતો.હાલના ચૂંટણી પરીણામોના આંકડા એક્ઝિટ પોલના આંકડા જેટલા જ છે.
જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી અન્ય બધા જ પક્ષોને પાછળ રાખી દેશે અને 63 જેટલી બેઠકો મેળવશે તેવો દાવો એક્ઝિટ પોલમાં કરાયો હતો. પંજાબમાં આપ સૌથી વધુ બેઠકો મેળવી સરકાર બનાવવા જઇ રહી છે.તેથી બન્ને રાજ્યોના એક્ઝિટ પોલ સાચા પડયા છે.જ્યારે ગોવા,ઉત્તરાખંડ,મણીપુરમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કરનું અનુમાન હતું પણ ભાજપ આગળ નીકળી ગયું છે.