જમ્મુ-કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર, વિસ્ફોટકોનો જથ્થો જપ્ત

169

– થોડા દિવસ પહેલાં ગુમ થયેલા જવાનનો મૃતદેહ મળ્યો પંજાબ સરહદે બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો,હવેલિયન ગામ પાસે ડ્રોન તોડી પાડયું

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર થયા હતા. હઝરતબલમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો અને તે સિવાયના બે ભાગી છૂટેલા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.થોડા દિવસ પહેલાં ગુમ થયેલા ભારતીય જવાનનો મૃતદેહ બડગામ નજીકથી મળ્યો હતો.

પુલવામામાં મસ્જિદમાં ઘૂસીને સુરક્ષાદળોને નિશાન બનાવી રહેલા તોયબાના બે આતંકવાદીઓને સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.આ આતંકવાદીઓને સરેન્ડર થવાની તક પણ સુરક્ષાદળોએ આપી હતી,તેમ છતાં સુરક્ષાદળો ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવતા હોવાથી આખરે બંને આતંકી માર્યા ગયા હતા.

એ જ રીતે હઝરતબલમાં પણ આતંકવાદીઓ છુપાયા હતા.સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો હતો.નાસી ગયેલા બેને પકડી લેવા માટે આખા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ બેંકના ગાર્ડને ગોળી ધરબી દીધી હતી.ઘાયલ થયેલા બેંકના સિકયુરિટી ગાર્ડને હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.બીજી તરફ પંજાબ સરહદે અમૃતસર સેક્ટરમાં બીએસએફની ટીમે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો.

ભારતમાં ઘૂસવાની ફિરાકમાં રહેલા એ પાકિસ્તાની ઘૂસણખોરને ચેતવણી આપવા છતાં એ ભારતમાં ઘૂસવાની કોશિશ કરતો હતો,આખરે બીએસએફે ફાયરિંગ કરીને તેને ઠાર કરી દીધો હતો.એ જ સેક્ટરમાં હવેલિયન ગામ નજીક એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું.ભારતની સરહદમાં ઘૂસી રહેલા એ ડ્રોનને બીએસએફના જવાનોએ તોડી પાડયું હતું.

Share Now