‘NATO-રશિયા વચ્ચેનો સીધો સંઘર્ષ સર્જી શકે છે ‘ત્રીજા વિશ્વ યુદ્ધ’ની સ્થિતિ’

180

વોશિંગ્ટન, તા. 12 માર્ચ 2022, શનિવાર : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે જણાવ્યું કે,રશિયા રાસાયણિક હથિયારોના ઉપયોગની ભારે કિંમત ચુકવશે.તેમણે જણાવ્યું કે,યુક્રેનમાં અમેરિકા રશિયા સામે નહીં લડે કારણ કે,નાટો અને મોસ્કો વચ્ચે સીધી અથડામણથી તૃતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જશે.રશિયા દ્વારા યુક્રેનના દોનેત્સક અને લુહાન્સ્કને સ્વતંત્ર ક્ષેત્રો તરીકે માન્યતા આપવામાં આવી તેના 3 દિવસ બાદ રશિયન સેનાએ 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેનમાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.

બાઈડને વ્હાઈટ હાઉસ ખાતે સંવાદદાતાઓને જણાવ્યું કે, ‘અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહેવાનું અને ચોક્કસ સંદેશા મોકલવાનું ચાલુ રાખીશું.અમે અમેરિકાની સંપૂર્ણ શક્તિ સાથે નાટો ક્ષેત્રના એક-એક ઈંચની રક્ષા કરીશું અને નાટોની મદદ કરીશું.’

વધુમાં કહ્યું કે, ‘અમે યુક્રેનમાં રશિયા વિરૂદ્ધ યુદ્ધ નહીં લડીએ.નાટો અને રશિયા વચ્ચે સીધી અથડામણ થવાથી તૃતીય વિશ્વયુદ્ધ છેડાશે.એ કશુંક એવું બનશે જેને રોકવા આપણે પ્રયત્ન કરવો જોઈએ.’

ઉત્તરી એટલાન્ટીક સંધિ સંગઠન (નાટો) 30 દેશોનો સમૂહ છે જેમાં ઉત્તરી અમેરિકી અને યુરોપીય દેશ સામેલ છે. બાઈડને જણાવ્યું કે,રશિયા કદી પણ યુક્રેનમાં જીત હાંસલ નહીં કરી શકે.

બાઈડને કહ્યું, ‘તેમને (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન) કોઈ પણ પ્રકારની લડાઈ વગર યુક્રેન પર હાવી થવાની આશા હતી પરંતુ નિષ્ફળ રહ્યા.’ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે,પુતિન નાટોને તોડવા અને નબળું પાડવાના પોતાના કથિત પ્રયત્નમાં પણ નિષ્ફળ રહ્યા.યુક્રેન મુદ્દે સમગ્ર વિશ્વ એકજૂથ છે.અમે યુક્રેનના લોકો સાથે ઉભા છીએ.અમે નિરંકુશ શાસકોને દુનિયાની દિશા નિર્ધારીત નહીં કરવા દઈએ.

Share Now