સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૭૦ ટકા નોન ગુજરાતીની ભરતી : ગુજરાતીઓને અન્યાય

444

– નિયમ મુજબ બિન ગુજરાતી કર્મચારીઓને ગુજરાતી લખતા,વાંચતા અને સમજતા આવડવું ફરજીયાત છે પરંતુ એક પણ કર્મચારીને ગુજરાતી આવડતું નથી

વડોદરા : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ગુજરાતમાં કરેલી ક્લેરીકલ સ્ટાફની ભરતીમાં ૭૦ ટકાથી વધુ નોન ગુજરાતી સ્ટાફની પસંદગી કરતા ભારે હોબાળો થયો છે.આ અંગે બેંક કર્મચારી યુનિયનના નેતાઓ દ્વારા ગુજરાત સરકારને,આરબીઆઇને અને પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.જે રાજ્યમાં ભરતી થવાની તે રાજ્યની ભાષા ફરજીયાત આવડવી જોઇએ એવો નિયમ હોવા છતાં સ્ટેટ બેંકે આ નિયમની અવગણના કરી હોવાનો આક્ષેપ છે.

તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત માટે ક્લેરિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી છે જેમા ૬૬૦ ઉમેદવારો પરીક્ષામાં ઉતીર્ણ થઇને પસંદગી પામ્યા છે.આ ૬૬૦ કર્મચારીઓને અમદાવાદ,વડોદરા અને ભાવનગર ઝોનમાં સરખે ભાગે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.વડોદરા ઝોન માટે પસંદગી પામેલા ૨૨૦ કર્મચારીઓમાંથી ફક્ત ૩૩ ઉમેદવારો ગુજરાતી છે બાકીને ૧૮૭ કર્મચારીઓ રાજસ્થાન,તેલંગાણા, ઉત્તરાખંડ,બંગાળ,ઓરિસ્સા,ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાંથી આવે છે.નિયમ મુજબ આ તમામ કર્મચારીઓને ગુજરાતી લખતા,વાંચતા અને સમજતા ફરજીયાત આવડવું જોઇએ પરંતુ એક પણ કર્મચારીને ગુજરાતી આવડતું નથી એમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ યુનિયન લીડર ભરત ચૌહાણનો આક્ષેપ છે.

તેમનું કહેવું છે કે બેંક કર્મચારીઓની ભરતી રાષ્ટ્રીય કક્ષાએ થાય છે અને પસંદગી પામેલા ઉમેદવારોને દેશના કોઇ પણ રાજ્યમાં મોકલવામાં આવે છે.આવા સંજોગોમાં સમસ્યા એ થાય છે કે સ્થાનિક ભાષા આવડતી નહી હોવાથી સ્થાનિક ગ્રાહકો સાથે યોગ્ય સંવાદ થતો નથી અને ઘર્ષણના બનાવ બને છે.ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ આ સમસ્યા વિશેષ રૃપમાં જોવા મળે છે આ અંગે અનેક રજૂઆતો બાદ કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં બેન્ક સ્ટાફ ભરતીમાં નિયમ બનાવ્યો કે ફ્રન્ટલાઇન સ્ટાફ એટલે કે ક્લેરિકલ સ્ટાફની ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારને સ્થાનિક ભાષા લખતા,વાંચતા અને સમજતા ફરજીયાત પણે આવડવી જોઇએ.આ માટે બેન્ક દ્વારા એક પરીક્ષા પણ લેવાની અને તે પરીક્ષામાં પાસ થવુ દરેક ઉમેદવાર માટે ફરજીયાત છે.

Share Now