નવી દિલ્હી, તા. 14 માર્ચ 2022, સોમવાર : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જેઈઈ મેઈન 2022 (JEE Main 2022) સેશન-1 એક્ઝામની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.અગાઉ જેઈઈ મેઈન 16મી એપ્રિલથી 21મી એપ્રિલ દરમિયાન યોજાવાની હતી પરંતુ હવે રિવાઈઝ્ડ શિડ્યુઅલ પ્રમાણે 21,24,25,29 એપ્રિલ અને 01, 04 મે 2022ના રોજ આયોજિત થશે. NTA દ્વારા આ મામલે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ડિટેઈલ્સ ચેક કરી શકે છે.
નોટિસમાં NTA દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,અનેક બોર્ડ એક્ઝામ્સની ડેટ્સ સાથે પરીક્ષાની તારીખ ક્લેશ થઈ રહી હતી માટે વિદ્યાર્થીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.માત્ર સેશન-1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પરીક્ષા માટે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સિટી ઈન્ટિમેશન અને એપ્રિલના બીજા સપ્તાહમાં એક્ઝામ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની લોગઈન ડિટેઈલ્સની મદદથી એડમિટ કાર્ડ મેળવી શકશે.નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,કોઈ પણ અન્ય અપડેટ્સ માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ જોતા રહે.