આ રાજ્યની સરકારે પોલીસકર્મીઓને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જોવા રજા આપવાની જાહેરાત કરી

454

ભોપાલ, તા. 14 માર્ચ 2022, સોમવાર : મધ્ય પ્રદેશ સરકારે સોમવારે જણાવ્યું હતું કે,રાજ્યમાં પોલીસકર્મીઓને તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે રજા આપવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે રાજ્યમાં ફિલ્મને મનોરંજન કરમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો.

સોમવારે એમપીના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મધ્યપ્રદેશના પોલીસકર્મીઓને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે રજા આપવામાં આવશે અને આ માટે DGP સુધીર સક્સેનાને નિર્દેશ આપી દેવાયા છે.’

વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત થયેલી તથા ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી હિંદુઓની હત્યા અને ત્યાર બાદ કાશ્મીરમાંથી કાશ્મીરી હિંદુઓની હિજરતને દર્શાવે છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર,દર્શન કુમાર,મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા કલાકારો છે.રવિવારે એક ટ્વિટમાં CM ચૌહાણે લખ્યું હતું કે,આ ફિલ્મ 90 ના દાયકામાં કાશ્મીરી હિંદુઓ દ્વારા સહન કરવામાં આવેલી પીડા,વેદના, સંઘર્ષ અને આઘાતનું હૃદયસ્પર્શી વર્ણન છે.

તેમણે જણાવ્યું કે,આ ફિલ્મને વધુમાં વધુ લોકોએ જોવાની જરૂર છે માટે રાજ્ય સરકારે તેને કરમુક્ત બનાવવાનો નિર્ણય કર્યો છે.

Share Now