યુદ્ધનો 19મો દિવસ… યુક્રેનના 19 શહેરોમાં એર સ્ટ્રાઈકની ચેતવણી

393

નવી દિલ્હી, તા. 14 માર્ચ 202, સોમવાર : રશિયા અને યુક્રેન યુદ્ધના 18 દિવસ વીતી ગયા છે,પરંતુ હજુ સુધી યુક્રેનમાં સ્થિતિ કાબુમાં આવી નથી.હવે યુદ્ધના 19મા દિવસે યુક્રેનના 19 શહેરોમાં હવાઈ હુમલાની સાઈરન વાગી રહી છે.આ સિવાય રાજધાની કિવ અને ખાર્કિવ પર રશિયન મિસાઈલ હુમલાઓ ચાલુ છે.બંને દેશો વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક યોજાવાની છે,પરંતુ આ પહેલા થયેલી ત્રણ બેઠકોમાં કોઈ ઉકેલ આવ્યો નથી.

આ દરમિયાન ચેચન વિદ્રોહીઓ પણ રાજધાની કિવ નજીક પહોંચી ગયા છે.નોંધનીય છે કે ચેચન્યામાં સત્તા ઉપર રહેલા ચેચન લડવૈયાઓ રશિયા તરફથી આ યુદ્ધમાં ઉતર્યા છે અને યુક્રેનની સેના પર સતત હુમલો કરી રહ્યા છે.કિવ પહોંચ્યા પછી,ચેચન લડવૈયોઓએ ઘણા વીડિયો જાહેર કર્યા છે અને દાવો કર્યો છે કે તેઓએ કિવ નજીક યુક્રેનિયન સૈન્ય મથકો ઉપર હુમલો કર્યો છે.

આ પહેલા રવિવારે રશિયાએ યુક્રેનમાં એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો.તેમણે 180 વિદેશી હત્યારાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ 30થી વધુ ક્રૂઝ મિસાઈલોથી સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો.બીજી તરફ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ કહ્યું કે રશિયન હુમલામાં 35 લોકો માર્યા ગયા હતા અને 134 ઘાયલ થયા હતા.તેમણે પીડિતોની રાષ્ટ્રીયતાની ઓળખ જાહેર કરી નથી.

રશિયાના આ વલણને જોતા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી અને યુએસ પ્રમુખ જો બિડેન સાથે વાત કરી.આ લોકો વચ્ચે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની વાત ચાલી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના મતે,આ યુદ્ધ સામાન્ય લોકો ઉપર પાયમાલી કરી રહ્યું છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત થયા છે.તે જ સમયે અત્યાર સુધીમાં 1,067 લોકો ઘાયલ થયા છે.બીજી તરફ યુદ્ધની વચ્ચે યુક્રેનનો દાવો છે કે તેમણે 13 માર્ચે રશિયન સેનાના 4 વિમાનો અને 3 હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે.કહેવાય છે કે આ હુમલો એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી કરવામાં આવ્યો હતો.યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં તેમણે લગભગ 13,000 રશિયન સૈનિકોને માર્યા છે.

રશિયાના હુમલાથી બચવા માટે 2.5 મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડી ગયા છે.સંયુક્ત રાષ્ટ્રએ તેને બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ઝડપથી વિકસતું શરણાર્થી સંકટ ગણાવ્યું છે.આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે.આ કામ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ કરવામાં આવ્યું હતું.યુક્રેન પર રશિયન હુમલા પહેલા લગભગ 20 હજાર ભારતીયો ત્યાં રહેતા હતા.તેમાંથી મોટાભાગના મેડિકલ વિદ્યાર્થીઓ હતા.

Share Now