બેલગ્રેડ, તા. 14 માર્ચ 2022, સોમવાર : સર્બિયાની રાજધાની બેલગ્રેડ ખાતે રવિવારે અનેક કાર યુક્રેન પરના રશિયાના હુમલાના સમર્થનમાં નીકળી હતી.કારમાં સવાર લોકોએ રશિયન અને સર્બિયાઈ ઝંડા લહેરાવ્યા હતા,હોર્ન વગાડ્યા હતા અને પુતિન (રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન)ના સમર્થનમાં નારા બોલાવ્યા હતા.
સર્બિયાએ ઔપચારિકરૂપે યુરોપીય સંઘની સદસ્યતાની માગ કરતા અને મોસ્કોની આક્રમકતાની નિંદા કરનારા સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવા છતાં પોતાના સહયોગી રશિયા વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે.
રશિયન સેનાએ રવિવારે યુક્રેનના એક મિલિટ્રી ટ્રેઈનિંગ કેમ્પ પર હુમલો કર્યો હતો.આ હુમલામાં 35 લોકો માર્યા ગયા હોવાના સમાચાર છે.સમગ્ર વિશ્વમાં રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો તેની ટીકા થઈ રહી છે.પોપ ફ્રાંસિસે પણ રવિવારે યુક્રેનમાં ચાલી રહેલા રશિયન હુમલામાં હથિયારવિહોણા સામાન્ય નાગરિકો અને બાળકોની હત્યા થઈ તેને નિર્દયી ગણાવીને તેની ટીકા કરી હતી.તેમણે શહેરો કબ્રસ્તાનમાં ફેરવાઈ જાય તે પહેલા તાત્કાલિક યુદ્ધ રોકવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો.