– પાકિસ્તાનમાં વિપક્ષોનો ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પાકિસ્તાનમાં મોંઘવારીનો દર ૧૩ ટકાની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા વિપક્ષોના શાબ્દિક હુમલાથી ઘેરાયેલા ઈમરાનની અકળામણ છતી થઈ
પાકિસ્તાનમાં વિપક્ષોએ વડાપ્રધાન ઈમરાન ખાનને મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દે ઘેરીને અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે.અવિશ્વાસના પ્રસ્તાવ પર આ સપ્તાહે પાકિસ્તાનના સંસદગૃહમાં મતદાન થશે.એ પહેલાં અકળાયેલા ઈમરાન ખાને વિચિત્ર નિવેદન આપીને કહ્યું હતું કે બટેટા-ટમેટાના ભાવ કાબૂમાં રાખવા હું સત્તા નથી આવ્યો.એ નિવેદનથી પણ વિવાદ જાગ્યો છે.
વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો તેનાથી અકળાયેલા ઈમરાન ખાને એક રેલીમાં કહ્યું હતુંઃ હું બટેટા-ટમેટાના ભાવ જોવા માટે રાજકારણમાં નથી આવ્યો.યુવાનો માટે રાજકારણમાં આવ્યો છે.આ નિવેદનની વિપક્ષોએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને તેને ઈમરાનની નિરાશા ગણાવી હતી.
પાકિસ્તાનમાં મોંઘવારીનો દર ૧૩ ટકાએ પહોંચી ગયો છે,એ ૨૪ મહિનામાં સર્વોચ્ચ સપાટીએ છે.તેના કારણે ઈમરાન ખાનને વિપક્ષોએ ઘેરીને મોંઘવારી કાબૂમાં લેવાની માગણી કરી છે.
ઈમરાન ખાને મોંઘવારીનો બચાવ કરીને પાકિસ્તાનના નાગરિકોને મહાન રાષ્ટ્ર બનાવશે એવું આભાસી સપનું દેખાડયું હતું.ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને કહ્યું હતું કે દેશને જો મહાન બનાવવો હશે તો થોડીક મુશ્કેલી સહન કરવી પડશે.
વિપક્ષોએ ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.વિપક્ષી સાંસદોનો આરોપ છે કે ઈમરાન ખાનની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ છે અને સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી.વિપક્ષોની એ માગણી પછી હવે સંસદમાં મતદાન થશે.૩૪૨ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવા માટે ૨૭૨ સાંસદોના સમર્થનની જરૃર પડશે.૨૦૧૮માં થયેલી ચૂંટણીમાં ઈમરાન ખાન સત્તામાં આવ્યા હતા.૨૦૨૩માં પાકિસ્તાનમાં વડાપ્રધાનની ટર્મ પૂરી થશે.