નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર : 15 માર્ચનો દિવસ ક્રિકેટ જગત માટે મહત્વનો ગણવામાં આવે છે.આજના દિવસે વર્ષ 1877માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી.કાંગારૂ ટીમ તે ઐતિહાસિક મેચ 45 રનથી જીતવામાં સફળ રહી હતી.
ખાસ વાત એ હતી કે તે ટેસ્ટ મેચ માટે કોઈ સમય મર્યાદા ન હતી અને બંને ટીમોએ બે-બે ઇનિંગ્સ રમવાની હતી,પછી ભલેને તેમાં કેટલા દિવસનો સમય લાગે.આ મેચ 15 થી 19 માર્ચ સુધી ચાલી હતી. રમતના પ્રથમ 3 દિવસ પછી,ચોથો દિવસ એટલે કે રવિવાર 18 માર્ચ 1877 ને આરામ દિવસ તરીકે રાખવામાં આવ્યો.ત્યારબાદ પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજય થયો હતો.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવ ગ્રેગરીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.આલ્ફ્રેડ શોએ ટેસ્ટ મેચનો પ્રથમ બોલ ફેંક્યો અને તે બોલનો સામનો ચાર્લ્સ બેનરમેને કર્યો.પ્રથમ ટેસ્ટ રન બેનરમેનના બેટમાંથી આવ્યો હતો.બેનરમેને તેની બેટિંગ ચાલુ રાખી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
આખરે આ ઓપનર આંગળીમાં ઈજાને કારણે 165 રન બનાવીને નિવૃત્ત થયો હતો.બેનરમેન સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહોતા.પરિણામે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ દાવમાં 245 રન જ બનાવી શકી હતી.આલ્ફ્રેડ શો અને જેમ્સ સાઉથર્ટને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં ઈંગ્લિશ ટીમ પ્રથમ દાવમાં 196 રન જ બનાવી શકી હતી.ઓપનર હેરી જુપે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી બિલી મિડવિન્ટરે પાંચ વિકેટ ઝડપી હતી.આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 49 રનની મહત્વની લીડ મળી હતી.
હવે ઈંગ્લેન્ડની ટીમને મેચ જીતવા માટે 154 રન બનાવવાના હતા,પરંતુ તે તેમ કરી શકી નહીં.ટોમ કેન્ડલ સામે ઇંગ્લિશ બેટ્સમેનો ટકી શક્યા નહોતા,જેના કારણે આખી ટીમ 108 રનમાં સમાઈ ગઈ હતી અને 45 રનથી મેચ હારી ગઈ હતી.ઈંગ્લેન્ડના માત્ર ત્રણ બેટ્સમેન બે અંક સુધી પહોંચી શક્યા હતા.વિકેટકીપર જોન સેલ્બીએ 38 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી ટોમ કેન્ડલે સાત અને જોન હોજેસે બે વિકેટ લીધી હતી.