નવી દિલ્હી, તા. 15 માર્ચ 2022, મંગળવાર : સરકાર 15 વર્ષથી જૂના વાહનોને લઈને કડક પગલાં લેવા જઈ રહી છે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના આદેશ અનુસાર,1 એપ્રિલથી, 15 વર્ષથી વધુ જૂના વાહનોના ફરીથી નોંધણીનો ખર્ચ આઠ ગણો વધી જશે.આ નિયમ તે જગ્યાઓ પર લાગુ થશે જ્યાં 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો જેને રજીસ્ટ્રેશન વિનાના માનવામાં આવે છે.
1લી એપ્રિલથી 15 વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે 5,000 રૂપિયા ચૂકવવા પડશે.હાલમાં આ ફીસ માત્ર 600 રૂપિયા છે.વિદેશી કારો માટે આ ફી 15,000 રૂપિયાથી વધીને 40,000 રૂપિયા થઈ જશે.ટૂ-વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયાના બદલે 1,000 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે.
દંડ પણ ભરવો પડશે
આટલું જ નહી,રજિસ્ટ્રેશનમાં વિલંબ થતા અલગથી દંડ ભરવાનો રહેશે.ખાનગી વાહનોના રજીસ્ટ્રેશનમાં વિલંબ થાય તો દર મહિને રૂ. 300 અને કોમર્શિયલ વાહનો માટે રૂ. 500 પ્રતિ માસનો અલગ ચાર્જ ચૂકવવો પડશે.
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલથી જૂના ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટનો ખર્ચ પણ વધશે.કોમર્શિયલ વાહનો આઠ વર્ષથી વધુ જૂનાં થઈ ગયા પછી તેના માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.ટેક્સીઓ માટે ફિટનેસ ટેસ્ટ ફી 1,000 રૂપિયાને બદલે 7,000 રૂપિયા થઈ જશે.બસ અને ટ્રક માટે આ ફી 1,500 રૂપિયાથી વધીને 12,500 રૂપિયા થઈ જશે.
કેન્દ્ર સરકારે અનુપાલન ફીમાં વધારો કર્યો છે જેથી માલિકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું પસંદ કરી શકે જે વધુ પ્રદૂષણનું કારણ બને છે.ભારતમાં એક કરોડથી વધારે વાહનો સ્ક્રેપિંગ કરવા લાયક છે. કાર માલિકો માટે જૂના વાહનોનું સ્ક્રેપિંગ સરળ બનાવવા માટે કેન્દ્રએ આ પ્રક્રિયાને ઓનલાઈન પણ કરી દીધી છે.