ભારતની વેપન્સ સિસ્ટમ સુરક્ષિત હાથોમાં, પાકિસ્તાન રાઈનો પહાડ બનાવી રહ્યુ છેઃ રાજનાથ સિંહ

434

નવી દિલ્હી,તા.15.માર્ચ.2022 : ભારતની એક મિસાઈલ ભુલથી પાકિસ્તાનમાં લોન્ચ થયા બાદ પાકિસ્તાન કાગારોળ મચાવી રહ્યુ છે.જેના પર આજે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સંસદમાં જવાબ આપતા કહ્યુ હતુ કે,મામલાની તપાસ ચાલી રહી છે.ભારતની મિસાઈલ સિસ્ટમ સુરક્ષિત હાથોમાં છે.જોકે પાકિસ્તાન રાઈનો પહાડ બનાવવાની કોશીશ કરી રહ્યુ છે.જેમાં તેને સફળતા મળી રહી નથી.

રાજનાથસિંહે કહ્યુ હતુ કે,મિસાઈલ યુનિટનુ રુટિન મેન્ટેનન્સ ચાલી રહ્યુ હતુ ત્યારે સાંજે સાત વાગ્યે એક મિસાઈલ ભુલથી લોન્ચ થઈ ગઈ હતી.બાદમાં ખબર પડી હતી કે,મિસાઈલ પાકિસ્તાનમાં ખાબકી છે.ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે,તેનાથી કોઈ નુકસાન થયુ નથી.

તેમણે કહ્યુ હતુ કે,ભારતે ઘટનાને બહુ ગંભીરતાથી લીધી છે.આ માટે એક ઔપચારિક તપાસના આદેશ અપાયા છે.મિસાઈલ લોન્ચનુ કારણ તપાસ બાદ જ ખબર પડશે પણ આર્મી ઓપરેશન,મેન્ટેનન્સ માટેની જે પણ પધ્ધતિ છે તેની સમીક્ષા કરી રહી છે.વેપન્સની સેફટીને પહેલી પ્રાથમિકતા અપાતી હોય છે.ભારતની આર્મીને આ પ્રકારની વેપન્સ સિસ્ટમને હેન્ડલ કરવાનો બહુ સારો અનુભવ છે.

એવુ કહેવાય છે કે,જે મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી તે બ્રહ્મોસ મિસાઈલ હતી.પાકિસ્તાને કહ્યુ હતુ કે, 40000 ફૂટની ઉંચાઈ પર અવાજ કરતા ત્રણ ગણી ઝડપથી મિસાઈલ અમારા એરસ્પેસમાં ઘુસી હતી અને 6 મિનિટ સુધી હવામાં રહી હતી.આ દરમિયાન કોઈ વિમાન પણ તેના રસ્તામાં આવી શક્યુ હોત.

Share Now