ચંદીગઢ, તા. 16 માર્ચ 2022, બુધવાર : ભગવંત માને બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તેમને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ભગત સિંહના ગામ ખટકર કલાં ખાતે આ શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો.કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત દિલ્હી આપના તમામ નેતાઓ સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે,પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ વિજય મળ્યો છે.ભગવંત માન પંજાબના 17મા મુખ્યમંત્રી બન્યા છે.કાર્યકાળના હિસાબથી તેઓ પંજાબના 25મા મુખ્યમંત્રી છે.ભગવંત માન (49) પંજાબના બીજા સૌથી યુવાન મુખ્યમંત્રી છે.તેમના પહેલા પ્રકાશ બાદલે 43 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
જેમણે મત નથી આપ્યો તેમની પણ સરકારઃ માન
શપથ ગ્રહણ બાદ ભગવંત માને જણાવ્યું કે,પંજાબના ખૂણે-ખૂણેથી ભગત સિંહના ગામ આવેલા લોકોનો હું હૃદયના ઉંડાણથી આભાર માનું છું.દિલ્હીની કેબિનેટ અહીં બેઠી છે.આ ભગત સિંહનું ગામ છે.આમ આદમી પાર્ટી તેમના સપનાઓને પૂરા કરવા માટે કામ કરી રહી છે.આ ગામ મારા માટે નવું નથી.હું અહીં અનેક વખત આવ્યો છું.જનતાએ આપને સાથ આપ્યો છે.જનતાના આ પ્રેમનું ઋણ ઉતારવા માટે અનેક જન્મ લેવા પડશે.જે લોકોએ મત નથી આપ્યા તેમનો પણ હું મુખ્યમંત્રી છું.આ સરકાર તેમની પણ છે.આપણે કોઈ અહંકાર નથી કરવાનો.જનતા ઈચ્છે તો આકાશ પર પહોંચાડી દે અને ઈચ્છે તો જમીન પર પણ લાવી દે.