જાણો, ભારતમાં થતા 80 ટકા જેટલા બેન્કિંગ સાયબર ક્રાઇમનું એપી સેન્ટર ગણાતા આ ઇલાકા વિશે…

177

રાંચી,16 માર્ચ,2022,બુધવાર : એક સમયે બિહારનો ભાગ ગણાતા ઝારખંડ રાજયનું જામતારા જિલ્લા મથક અને તેની આસપાસના ૧૦૦ ગામો ડિજિટલ ક્રાઇમનો ગઢ બની ગયા છે.એવું માનવામાં આવે છે કે ભારતમાં થતા બેંકિગ સાયબર ક્રાઇમના ૮૦ ટકા બનાવોના તાર સીધી કે આડકતરી રીતે ૯૦૪૨૬ લોકોની વસ્તી ધરાવતા જામતારા સાથે જોડાયેલા હોય છે.ભાગ્યે જ કોઇ રાજયની પોલીસ બાકી હશે જેને જામતારામાં ધામા ન નાખ્યા હોય.જે સાયબર ગુનેગારો પકડાય છે તેમની પાસેથી મળતી માહિતી આંખ ઉઘાડી નાખનારી છે.

સ્માર્ટફોન અને ઇન્ટરનેટનું આગમન થવાથી ગુનાખોરીનો પ્રકાર બદલાયો

સંથાલી ભાષામાં જામ નો અર્થ સાપ અને તારા(ડા)નો અર્થ સ્થળ થાય છે.એટલે કે એક સમયે જામતારા સાપોની ભૂમિ ગણાતું પરંતુ હવે સાપ જેવા સાયબર ગુનેગારો સેંકડો બેંક ખાતામાં રોજ ડંશ મારતા રહે છે.ડિજિટલ લૂંટ માટે જામવારાથી ૧૭ કિમી દૂર આવેલું કરમાટાંડ નામનું ગામ સૌથી મેલી મથરાવટી ધરાવે છે.આ જામતારા જિલ્લામાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટનું આગમન થવાની સાથે જ ગુનાખોરીનો પ્રકાર બદલાયો છે.

૨૦૧૩માં કરમાટાંડ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો પ્રથમ કેસ નોંધાયો હતો.પોલીસે કાર્યવાહી કરીને કેટલાક આરોપીઓને પકડેલા પરંતુ જામીન પર છુટીને ફરી સાયબર ગુના આચરતા થયા હતા.કેટલાક તો દિલ્હી અને મુંબઇ જવા મહાનગરોમાં જઇને સાયબર ક્રાઇમની તાલીમ લઇને સાયબર ગેંગ પણ બનાવી લીધી હતી.સાયબર છેતરપિડી સાથે જોડાયેલા યુવાનો ખાસ ભણેલા નથી પરંતુ સ્માર્ટફોન અને લેપટોપ ઓપરેટ કરવાનો કસબ એક્ષપર્ટને પણ પાછા પાડી દે તેવો છે.

જામતારાના ગામોના સાયબર ધાડપાડુઓ રોજ સેંકડો સ્થળે ફોન કરે છે

શરુઆતમાં ઓફર,ડ્રો અને ઇનામની વાત કરીને ગ્રાહકોના એકાઉન્ટમાંથી પૈસા ખંખેરતા હતા.ઘણી વાર તો વસ્તુઓના સ્થાને પથ્થર અને નકામી ચીજ વસ્તુઓ ગ્રાહકને મોકલાવીને દગો કરતા હતા.સમય જતા આ તરકિબ જુની થઇ જતા બેંક અધિકારી કે કર્મચારી બનીને લોકોને ફોન કરતા રહે છે.જામતારાના ગામોના સાયબર ધાડપાડુઓ રોજ સેંકડો સ્થળે ફોન કરે છે.તેઓ ફોનમાં જે વ્યકિતનું બેંકમાં ખાતું હોય તેનું બેંકનું જ નામ આપે છે અને પછી ભોળવીને વિગતો મળવી લે છે.

કયારેય કોઇને પાસવર્ડ કે ઓટીપી ના આપે એવા જાગૃત માણસો પણ છેતરાઇ જાય છે.ડેબિટ,ક્રેડિટ કે એકાઉન્ટ બ્લોક થઇ રહયું છે એમ જણાવીને જન્મ તારીખ,પેન નંબર કે પાસવર્ડ જાણી લે છે.થોડીકવાર પ્રેમથી તો થોડીક વાર ધમકાવીને માહિતી કઢાવવાની તરકિબ પણ જાણતા હોય છે.પોતે કસ્ટમરના હિતેચ્છુ છે એવી ભ્રમજાળ રચીને કસ્ટમર કેરના નામે પણ છેતરતા રહે છે.

આજકાલ ફર્જી ફેસબુક આઇડી પર મદદના નામે પૈસા માંગતા હોય છે.જો કોઇ મદદ માટે તૈયાર થાય તો તેના એટીએમ વ્યહવારોની જાણકારી મેળવીને કાર્ડનું કલોનિંગ કરી શકે છે.આ હાઇટેક અપરાધીઓ નકલી આઇડી,નકલી સીમ,નકલી વેબસાઇટ લીંકની આડમાં ગોરખધંધા કરતા રહે છે.માણસ કશુંક વિચાર તે પહેલા તો તે છેતરપિંડીનો ભોગ બની ચુકયો હોય છે.મોટા રાજનેતાઓ,ફિલ્મ કલાકારો અને વ્યવસાયિકોને પણ જામતારાના ડિજિટલ ડાકુઓએ છેતર્યા છે.

ઝાડ પર માંચડા બાંધીને મોબાઇલ ફોન અને લેપટોપ રાખે છે

માત્ર પુરુષો જ નહી મહિલાઓ પણ જામતારાની સાયબર ગેંગમાં જોવા મળે છે.આ મહિલાઓ પોતાના સૂરિલા અવાજમાં લોભાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.કયાંક તો સમગ્ર પરીવાર સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલો હોય છે.

પોલીસનો છાપો પડવાના ડરથી હવે દિવસે વાંસ અને કંતાનની ઝુંપડીઓ તૈયાર કરીને અથવા તો ઝાડ પર માંચડા ઉભા કરીને મોબાઇલ ફોન અને લેપ ટોપ પર ગુના આચરતા રહે છે.સાયબર ડાકુઓનું નેટવર્ક મજબૂત હોય છે આથી પોલીસની ગાડી ઇલાકામાં આવે તેની આગતોરી માહિતી મળી જાય છે.આસપાસનો નકસલી પ્રભાવવાળો વિસ્તાર હોવાથી પોલીસ માટે ડયૂટી પણ અઘરી બની જાય છે.

ડિજીટલ લૂંટની તાલીમ આપીને સાયબર ગેંગમાં જોડવામાં આવે છે

છેલ્લા બે વર્ષમાં મુંબઇ,દિલ્હી,હૈદરાબાદ અને ચેન્નાઇ જેવા શહેરોમાં ઓનલાઇન બેંન્કિંગ ઉઠાંતરીના કેસ બન્યા છે તેના મૂળભૂત તાર જામતારા સાથે જોડાયેલા હોય છે.બલ્કમાં મેસેજ કરીને કેવાયસી અપડેટના નામે છેતરપિંડીએ સૌથી મોટું હથિયાર છે.

એટલું જ નહી ચીટિંગની આવકમાંથી ઓનલાઇન ખરીદી કરીને તેના રોકડા ઉભા કરવાના પણ ગોરખધંધા ચાલતા રહે છે.નવી દિલ્હીના મેદાનગઢી પોલીસે છત્તરપુર નિવાસી એક વ્યકિત સાથે થયેલી ડિજિટલ છેતરપિંડીના કેસમાં જામતારા સાયબર ગેંગના સંદિપ નામના શખ્સની પંજાબના હોશિયારપુરથી ધરપકડ કરી હતી.આ શખ્સનું કામ ગેંગમાં નવા સભ્યો જોડવાનું અને બેંક ખાતા નંબર મેળવવાનું હતું.

આ કામ બદલ જામતારાથી ઓપરેટ કરતો તેનો આકા તગડું કમિશન આપતો હતો.આ તો દાખલા પુરતી વાત છે આવા તો અઢળક કિસ્સાઓ છે.દરેક ડિજિટલ ચોર પોતાની આવક વધારવા સાયબર ગેંગ ઉભી કરીને નવા જોડાયેલા યુવાનોને સાયબર ગુના કરવાનું શિખવે છે.

સરકારે ૨૦૧૮માં જામતારા ખાતે સાયબર પોલીસ સ્ટેશન ઉભું કરવું પડયું

જામતારાના સાયબર ઠગોનું દેશ વ્યાપી કનેકશન બહાર આવ્યા પછી ઝારખંડ સરકારે ૨૦૧૮માં જામતારા ખાતે સાયબર પોલીસ સ્ટેશન ઉભું કર્યુ હતું.અત્યાર સુધી સેંકડો સાયબર ગુના કેસ દાખલ કરીને અપરાધીઓની ધરપકડ છતાં સાયબર ક્રાઇમ પર હજુ નિયંત્રણ મેળવી શકાયું નથી.

આરોપીઓ પકડાય તો પણ ધીમી રફતાર,પુરાવા અને તપાસના અભાવે છુટી જાય છે.કોઇ પણ દેશ માટે પોતાના ડિજિટલ ડેટાની સુરક્ષા ખૂબજ મહત્વની છે.જામતારાના ડિજિટલ ધાડપાડુઓ પૈસાની લાલચમાં કયાંક આંતરરાષ્ટીય રેકટમાં ફસાઇને દેશહિતને જોખમમાં ન મુકે તેની તકેદારી પણ જરુરી છે.

Share Now