હવાઇ મુસાફરી મોંઘી થશે, ATFના ભાવમાં 18 ટકાનો તોતિંગ વધારો થયો

357

– ATFની કિંમત રૂ.110,666 પ્રતિ કિલોલીટરના સર્વોચ્ચ સ્તરે વર્ષ 2022માં એટીએફની કિંમત છઠ્ઠીવાર વધી,એરલાઇન્સ કંપનીઓના સંચાલન ખર્ચમાં કમરતોડ વધારો થશે

નવી દિલ્હી : આગામી સમયમાં હવાઇ મુસાફરી હજી મોંઘી થશે.સરકારે વિમાન ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતમાં તોતિંગ 18 ટકાનો વધારો કર્યો છે.મૂલ્યની રીતે વિમાન ઇંધણની કિંમત રૂ. 17,135.63 વધી છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં એટીએફની કિંમત પહેલીવાર રૂ. 1 લાખના સ્તરને વટાવી રૂ. 110,666.29 પ્રતિ કિલોલીટરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગઇ છે.તો મુંબઇમાં એટીએફની કિંમત વધીને રૂ. 109,119.83,કલકત્તામાં રૂ. 114,979.70 અને ચેન્નઇમાં રૂ. 114,133.73 પ્રતિ કિલોલીટરે પહોંચી ગઇ છે.

એટીએફના ભાવ વધતા વિમાન મુસાફરી મોંઘી થશે કારણ કે એરલાયન્સ કંપનીઓના કુલ ખર્ચમાં તેનો હિસ્સો 50 ટકા જેટલો હોય છે. રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા.જેથી ભારતમાં ક્ડ ઓઇલનો પડતર ખર્ચ વધી રહ્યો છે જેની અસરે વિમાન ઇંધણ સતત મોંઘુ થઇ રહ્યુ છે.

1લી જાન્યુઆરી બાદથી એટીએફની કિંમત છઠ્ઠીવાર વધી છે.હાલ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી પેટ્રોલ-ડીઝલ અને વિમાન ઇંધણના ભાવ ઝડપથી વધી રહ્યા છે.ઓગસ્ટ 2008માં ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત 147 ડોલર પ્રતિ બેરલ હતી ત્યારે એટીએફનો ભાવ રૂ. 71,028.26 પ્રતિ કિલોલીટર હતી.

Share Now