(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬ : વિધાનસભા ચૂંટણી પછી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વૃદ્ધિ થશે પણ અત્યાર સુધી આવું થયું નથી.બીજી વાહનચાલકોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતાને પગલે પોતાના વાહનોની ટાંકીઓ ફુલ કરાવી લીધી હતી.જેના કારણે ૧ થી ૧૫ માર્ચ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં જોરદાર ઉછાળોે જોવા મળ્યો છે.
૧ થી ૧૫ માર્ચ દરમિયાન સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના પેટ્રોલ પંપોએ ૧૨.૩ લાખ ટન પેટ્રોલ વેચ્યું છે.જે ૨૦૨૧ના સમાન ગાળાની સરખામણીમાં ૧૮.૮ ટકા અને ૨૦૧૯ના સમાન ગાળાની સરખામણીમાં ૨૪.૪ ટકા વધારે છે. ૨૦૨૦ના સમાનગાળાની સરખામણીમા ૨૪.૩ ટકા વધારે છે.
૧ થી ૧૫ માર્ચ દરમિયાન સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપોએ ૩૫.૩ લાખ ડીઝલનું વેચાણ કર્યુ છે.જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૩.૭ ટકા અને ૨૦૧૯ા સમાનગાળાની સરખામણીમાં ૧૭.૩ ટકા વધારે છે. ૨૦૨૦ના સમાનગાળાની સરખામણીમાં ૩૩.૫ ટકા વધારે છે.
ગયા મહિનાના સમાનગાળાની સરખામણીમાં ચાલુ મહિનામાં પેટ્રોલનું વેચાણ ૧૮.૮ ટકા અને ડીઝલનું વેચાણ ૩૨.૮ ટકા વધ્યું છે.કેન્દ્રીય ઓઇલ પ્રધાન હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે ભાવ વધવાની આશંકાને પગલે વાહનચાલકો દ્વારા ટાંકી ફુલ કરાવવામાં આવતા પેટ્રોલ ડીઝલના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે નવેમ્બર, ૨૦૨૧ની શરૃઆતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.છેલ્લા ૧૩૨ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.જ્યારે બીજી તરફ આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઇલનો ભાવ ૮૧ ડોલરથી વધી ૧૩૦ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે.
એવી આશંકા પ્રવતર્તી હતી કે સરકાર વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોેલ અને ડીઝલના ભાવમાં ૧૦ થી ૨૦ રૃપિયાનો વધારો કરશે પણ આવું થયું નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર સંસદ બજેટ સત્રના બીજા તબક્કામાં વિરોધ પક્ષને હોબાળાની તક આપવા માગતી નથી.
૧ થી ૧૫ માર્ચ દરમિયાન જેટ ફ્યુઅલ(એટીએફ)નું વેચાણ પણ બમણું થઇને ૨,૩૨,૯૦૦ ટન રહ્યું છે.૧ થી ૧૫ માર્ચ દરમિયાન એલપીજીનું વેચાણ ૧૭ ટકા વધીને ૧૦.૩ લાખ ટન રહ્યું હતું.