જ્યાં સુધી અમને બહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પાર્ટી નહીં છોડીએ: G-21

312

નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ G-21નું અસંતુષ્ટ જૂથ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. G-21એ બુધવારે સાંજે દિલ્હીમાં ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક કરી હતી અને નિવેદન આપીને જણાવ્યું હતું કે,ભાજપને પડકારવા માટે સારો વિકલ્પ જરૂરી છે એટલા માટે કોંગ્રોસે સમાન વિચારધારા વાળા દળો સાથે વાતચીત કરવી જોઈએ.પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ જણાવ્યું કે,ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

મીટિંગ બાદ કોંગ્રેસના 18 નેતાઓએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે,વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર અને સતત નેતાઓ અને કાર્યકરોના પક્ષ છોડવા તરફ કઈ રીતે ધ્યાન નથી આપી રહ્યું તે અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓની બેઠકમાંથી 3 મહત્વના તારણો બહાર આવ્યા છે

– G-21ના નેતાઓનું કહેવું છે કે,જ્યાં સુધી અમને બહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે પાર્ટી નહીં છોડીશું.

– અમે એ વાત પર ભાર મૂકતા રહીશું કે,પાર્ટીમાં સુધારાની આવશ્યકતા છે.

– તેમના નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,ભવિષ્યના પગલાને લઈને ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર,આનો અર્થ એ છે કે, G-21ના તમામ નેતાઓ પાર્ટી કાર્યકર્તાઓ પાસે જશે અને કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ બનાવવા માટે જમીની સ્તર પર બેઠક કરશે.

હાર બાદ બીજી બેઠક

પાંચ રાજ્યોમાં હાર બાદ G-21 જૂથની આ બીજી બેઠક છે.આ પહેલા 11 ફેબ્રુઆરીએ ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કપિલ સિબ્બલ અને મનીષ તિવારી પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પાર્ટી અધ્યક્ષની માંગણી કરવામાં આવી હતી.

Share Now